રાજપીપળા: ગુજરાતના રાજકારણમાંથી આ સમયના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. નર્મદા જિલ્લાની સેશન્સ કોર્ટે આમ આદમી પાર્ટી (AAP) ના ડેડિયાપાડાના લોકપ્રિય ધારાસભ્ય ચૈતર વસાવા, તેમના પત્ની શકુંતલા વસાવા અને અન્ય આરોપીઓને વર્ષ ૨૦૨૩ના વન વિભાગના અધિકારીઓ પર હુમલો અને બળજબરીથી નાણાં પડાવવાના (extortion) કેસમાં દોષિત જાહેર કર્યા છે. કોર્ટે આ કેસમાં કસૂરવાર જાહેર કર્યા બાદ હવે સજાની માત્રા અંગેની દલીલો સાંભળવાની બાકી છે. આ ચુકાદા બાદ આમ આદમી પાર્ટીએ પત્રકાર પરિષદ યોજીને સત્તાધારી ભાજપ સરકાર સામે આકરા પ્રહારો કર્યા છે.
શું હતો સમગ્ર કેસ અને FIR ની વિગતો?
આ વિવાદની શરૂઆત ૩૦ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ થઈ હતી. વન વિભાગના પાંચ અધિકારીઓએ સ્થાનિક ગ્રામજનોને વન વિભાગની જમીન પરથી દબાણો હટાવવા માટે નિર્દેશ આપ્યો હતો. આ ઘટના બાદ ધારાસભ્ય ચૈતર વસાવાએ વનકર્મીઓને ડેડિયાપાડા ખાતેના તેમના નિવાસસ્થાને બોલાવ્યા હતા. ૨ નવેમ્બર ૨૦૨૩ના રોજ ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIR મુજબ, ચૈતર વસાવા અને તેમના સાથીઓએ વન અધિકારીઓ સાથે અસભ્ય વર્તન કર્યું, અપશબ્દો બોલ્યા અને તેમાંથી એક અધિકારી પર શારીરિક હુમલો કર્યો હતો. આ ઉપરાંત એન્ટી-એનક્રોચમેન્ટ ડ્રાઈવ (દબાણ હટાવવાની કામગીરી) થી પ્રભાવિત થયેલા ગ્રામજનો માટે વળતરની માંગણી કરવામાં આવી હતી.
તપાસ સંસ્થાઓના આક્ષેપ મુજબ, ચૈતર વસાવાએ એક બિનપરવાનગી હથિયારથી હવામાં ફાયરિંગ પણ કર્યું હતું, જેના કારણે તેમની સામે આર્મ્સ એક્ટ (હથિયાર ધારો) સહિત હુલ્લડ, ખંડણી અને સરકારી કર્મચારીની ફરજમાં રુકાવટ ઊભી કરવા બદલ ગુનો નોંધાયો હતો. આ કેસમાં ચૈતર વસાવાના પત્ની શકુંતલાબેન, તેમના પર્સનલ આસિસ્ટન્ટ જિતેન્દ્ર, ગ્રામજન રમેશ વસાવા અને તેમના પત્ની સહિત બોગાજ ગામના કેટલાક રહેવાસીઓને આરોપી બનાવવામાં આવ્યા હતા. ચૈતર વસાવા શરૂઆતમાં ઘણા દિવસો સુધી અંડરગ્રાઉન્ડ રહ્યા બાદ આખરે ૧૪ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ શરણાગતિ (Surrender) સ્વીકારી હતી. ત્યારબાદ ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં ભરૂચ બેઠક પરથી AAP ના ઉમેદવાર તરીકે નામાંકન થયા બાદ તેમને જામીન મળ્યા હતા.
ગોપાલ ઈટાલિયાના ભાજપ સરકાર પર આકરા પ્રહારો: “આ એક રાજકીય પ્રપંચ છે”
ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા બાદ આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ તાબડતોબ પત્રકાર પરિષદ યોજીને સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું હતું કે: “છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતમાં આદિવાસી સમાજ સાથે અન્યાય થતો આવ્યો છે. સરકારી પ્રોજેક્ટ્સના નામે જમીનો પડાવી લેવી, શિષ્યવૃત્તિમાં ગેરરીતિ અને નકલી સરકારી કચેરીઓ ખોલવા જેવા મુદ્દાઓ સામે વર્ષ ૨૦૨૨ની ચૂંટણી જીત્યા બાદ ચૈતર વસાવાએ મજબૂતીથી અવાજ ઉઠાવ્યો છે. ભાજપ સરકારે ચૈતર વસાવાના આ પ્રચંડ અવાજને ડરાવવા અને ઝુકાવવા માટે સરકારી મશીનરીનો ઘોર દુરુપયોગ કર્યો છે.”
“જેલમાં પક્ષ પલટો કરવા દબાણ કરાયું પણ ‘ફાઈટર’ ઝુક્યા નહીં”
ગોપાલ ઈટાલિયાએ પત્રકાર પરિષદમાં મોટો દાવો કરતા જણાવ્યું કે, જ્યારે ચૈતર વસાવા જેલમાં બંધ હતા ત્યારે ભાજપ તરફથી તેમને આમ આદમી પાર્ટી છોડીને પક્ષ પલટો કરવા માટે સામ, દામ, દંડ અને ભેદની તમામ નીતિઓ અપનાવીને ભારે દબાણ કરવામાં આવ્યું હતું. પરંતુ ચૈતર વસાવા આદિવાસી સમાજના હક માટે લડનારા સાચા ‘ફાઈટર’ છે, એટલે તેઓ કોઈની સામે ઝુક્યા નથી. તેમણે વધુમાં ઉમેર્યું કે, ભાજપના મોટા નેતાઓ અને ખુદ પ્રધાનમંત્રી તથા ગૃહમંત્રીએ ડેડિયાપાડામાં મોટી સભાઓ કરી હોવા છતાં, સ્થાનિક આદિવાસી સમાજે ચૈતર વસાવાને પૂર્ણ સમર્થન આપીને નર્મદા જિલ્લા પંચાયત અને અન્ય તાલુકા પંચાયતોની ચૂંટણીઓમાં શાનદાર જીત અપાવી હતી.
આગામી સમયમાં જડબાતોડ જવાબ અપાશે
આમ આદમી પાર્ટીના નેતાએ આક્રોશ વ્યક્ત કરતા છેલ્લે જણાવ્યું હતું કે, સરકારી પંચ, સરકારી વકીલ, સરકારી પોલીસ અને સરકારી સાક્ષીઓ ઊભા કરીને ચૈતર વસાવા સામે એક મોટું પ્રપંચ રચી સજા કરાવવાનું જે ષડયંત્ર ઘડવામાં આવ્યું છે, તેનો જડબાતોડ જવાબ આગામી સમયમાં આમ આદમી પાર્ટી અને સમગ્ર આદિવાસી સમાજ લોકશાહી ઢબે ભાજપને આપશે.
