અમદાવાદ: અમદાવાદના મોટેરા વિસ્તારમાં આવેલ વિવાદિત આશારામ આશ્રમ હવે ઈતિહાસ બની જશે. ભારતમાં ભવિષ્યમાં યોજાનારી ઓલિમ્પિક્સ અને કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા મોટું પગલું ભરવામાં આવ્યું છે. આશારામ આશ્રમની અંદાજે ₹500 કરોડની કિંમતની જમીન હવે ‘સરદાર પટેલ સ્પોર્ટ્સ એનક્લેવ’ (Sardar Patel Sports Enclave) નો હિસ્સો બનશે, જેના કારણે આશ્રમના જુના સ્ટ્રક્ચર્સને તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
AMCએ અરજી ફગાવી, કાયદાકીય પકડ મજબૂત
આશ્રમના ગેરકાયદે બાંધકામોને બચાવવા માટે આશ્રમ ટ્રસ્ટ દ્વારા AMC સમક્ષ ‘ઇમ્પેક્ટ ફી’ (Impact Fee) ભરીને દબાણો નિયમિત કરવાની અરજી કરવામાં આવી હતી. જોકે, સ્પોર્ટ્સ એનક્લેવના પ્રોજેક્ટની ગંભીરતા અને વિકાસની જરૂરિયાતને જોતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ ઇમ્પેક્ટ ફીની અરજીને નામંજૂર કરી દીધી છે. આ સાથે જ આશ્રમના બાંધકામો હવે સંપૂર્ણપણે ગેરકાયદે ઠર્યા છે.
ઝડપી નિકાલ માટે સરકારની સૂચના
રાજ્ય સરકારે આ મામલે એપેલેટ ઓથોરિટીને કડક સૂચના આપી છે કે આ કેસનો તાત્કાલિક ધોરણે નિકાલ લાવવામાં આવે. ઓલિમ્પિક અને કોમનવેલ્થ જેવી વૈશ્વિક સ્પર્ધાઓ માટે અમદાવાદમાં ગ્લોબલ સ્ટાન્ડર્ડનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવાનું લક્ષ્ય છે. જેના માટે આ મહત્વની જમીન પરથી આશ્રમનું અસ્તિત્વ ભૂંસી નાખવા માટે તંત્ર સજ્જ થયું છે.
ગ્લોબલ સ્પોર્ટ્સ વિલેજની તૈયારી
આ જમીન પર અત્યાધુનિક સ્ટેડિયમ, પ્રેક્ટિસ ગ્રાઉન્ડ્સ અને ખેલાડીઓ માટે આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધાઓ વિકસાવવામાં આવશે. આશારામના સામ્રાજ્યનો આ અંત અમદાવાદને વિશ્વના સ્પોર્ટ્સ મેપ પર મૂકવા માટેના એક મોટા માસ્ટર પ્લાનનો ભાગ છે. આગામી દિવસોમાં આ સ્થળે ભારે સુરક્ષા વચ્ચે ડિમોલિશનની કામગીરી શરૂ થાય તેવી શક્યતા છે.
