નેન્ટુકેટ (મેસાચુસેટ્સ): અમેરિકાના મેસાચુસેટ્સ સ્થિત નેન્ટુકેટ આઈલેન્ડના સમુદ્ર કિનારેથી એક અત્યંત રોમાંચક અને રફકાંપો ઘટના સામે આવી છે, જ્યાં એક ભયાનક ‘ગ્રેટ વ્હાઇટ શાર્ક’ (Great White Shark) દરિયાકિનારાથી માત્ર થોડા જ ફૂટ દૂર આવીને એક સીલ (Seal) નો શિકાર કરતી જોવા મળી હતી. ફિશિંગ કોમ્પિટિશનમાંથી પરત ફરી રહેલા એક યુગલે આ લોહિયાળ અને આશ્ચર્યજનક દ્રશ્ય પોતાના કેમેરામાં કેદ કરી લીધું હતું. સમુદ્રના છીછરા પાણીમાં શાર્ક દ્વારા સીલ પર કરવામાં આવેલા આ હુમલાથી આખું પાણી લાલચોળ થઈ ગયું હતું, જેને જોઈને ત્યાં હાજર લોકો દંગ રહી ગયા હતા.
મળતી વિગતો અનુસાર, કૈરી ડ્રેટન અને તેનો બોયફ્રેન્ડ ટાઇલર ઓ’બ્રાયન રવિવારે સવારે સાડા દસ વાગ્યાની આસપાસ નેન્ટુકેટના ‘ગ્રેટ પોઇન્ટ બીચ’ પરથી ગાડી લઈને પસાર થઈ રહ્યા હતા. ફિશિંગ સ્પર્ધામાંથી પરત ફરતી વખતે તેમણે અચાનક એક સીલને પાણીમાંથી ભાગીને ઉતાવળે બીચ પર આવતા જોઈ. કંઈક ગડબડ હોવાની શંકા જતાં જ્યારે તેમણે દરિયામાં જોયું, ત્યારે સમુદ્રની સપાટી પર શાર્કની ફિન (પાંખ) ફરતી દેખાઈ અને ક્ષણભરમાં આખું પાણી લોહીથી લાલ થઈ ગયું. ગ્રેટ વ્હાઇટ શાર્કે બીજા એક સીલ પર હુમલો કરી તેને પોતાનો શિકાર બનાવી લીધો હતો અને તેને ખાઈ રહી હતી. આ સમગ્ર ઘટના બીચ પરથી ભાગીને બચેલી બીજી સીલ પણ કીનારે બેસીને જોઈ રહી હતી.
Just some Nat Geo type footage on a casual Sunday at Great Point…
Carrie Drayton and Tyler O’Brien were driving out to the point on Sunday when they spotted this shark predation on a seal right along the shoreline.
Who can ID the species? 🦈
🎥: Tyler O’Brien pic.twitter.com/IWePoG9qha— Nantucket Current (@ACKCurrent) September 20, 2026
આ વિસ્મયકારી ઘટના અંગે ડ્રેટને બોસ્ટન.કોમ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આ દ્રશ્ય ખરેખર અકલ્પનીય અને જંગલી અનુભવ સમાન હતું. શાર્ક દરિયાકિનારાની એટલી બધી નજીક આવી ગઈ હતી કે જો તેમણે ઈચ્છા કરી હોત તો હાથ લંબાવીને તેને સ્પર્શી પણ શક્યા હોત. તેમણે અંદાજ લગાવ્યો હતો કે આ મહાકાય ગ્રેટ વ્હાઇટ શાર્કની લંબાઈ લગભગ ૧૨ થી ૧૪ ફૂટ જેટલી હતી. ડ્રેટને ઉમેર્યું હતું કે જો તેઓ તે દિવસે ફિશિંગ કોમ્પિટિશનમાં ભાગ લેવા ન ગયા હોત, તો કુદરતનું આટલું નજીકથી ભયાનક રૂ૫ જોવાની તક ક્યારેય ન મળી હોત.
દરમિયાન, મેસાચુસેટ્સ ડિવિઝન ઓફ મરીન ફિશરીઝના વરિષ્ઠ દરિયાઈ વિજ્ઞાની ગ્રેગરી સ્કોમલે આ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, કપલે જે જોયું તે ચોક્કસપણે ગ્રેટ વ્હાઇટ શાર્ક દ્વારા સીલનો શિકાર કરવાની કુદરતી પ્રક્રિયા હતી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે વસંત અને પાનખર ઋતુ દરમિયાન ગ્રેટ વ્હાઇટ શાર્ક ઉત્તર અને દક્ષિણ તરફ સ્થળાંતર કરતી વખતે નેન્ટુકેટના દરિયાઈ વિસ્તારમાંથી પસાર થાય છે. ગ્રેટ પોઇન્ટ વિસ્તારમાં મોટી સંખ્યામાં વસતા સીલ આ શાર્ક માટે ખોરાકનો મુખ્ય સ્ત્રોત છે, જેના કારણે આવી ઘટનાઓ દરિયાઈ જીવસૃષ્ટિનો એક સામાન્ય પણ દુર્લભ ભાગ ગણાય છે.
