૭ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ મોસ્કોમાં અફઘાનિસ્તાન પરની ‘મોસ્કો ફોર્મેટ કન્સલ્ટેશન્સ’ની ૭મી બેઠક યોજાઈ હતી, જેમાં એક મહત્વપૂર્ણ સંયુક્ત નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ભારત, ઈરાન, કઝાકિસ્તાન, ચીન, કિર્ગીઝ્તાન, પાકિસ્તાન, રશિયા, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાન સહિત ૧૦ દેશોના વિશેષ પ્રતિનિધિઓ અને વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો હતો. બેલારુસનું પ્રતિનિધિમંડળ મહેમાન તરીકે હાજર રહ્યું હતું.
આ બેઠકનું સૌથી મોટું સીમાચિહ્ન એ હતું કે, પ્રથમ વખત અફઘાનિસ્તાનનું પ્રતિનિધિમંડળ, જેના વડા વિદેશ મંત્રી અમીર ખાન મોત્તાકી હતા, તેમણે બેઠકમાં સભ્ય તરીકે ભાગ લીધો હતો. આ ઘટના તાલિબાનના નેતૃત્વ હેઠળની અફઘાન સરકારને પ્રાદેશિક સ્તરે મળી રહેલી આંશિક માન્યતા અને સ્વીકૃતિ તરફનું એક મહત્વપૂર્ણ પગલું દર્શાવે છે. સંયુક્ત નિવેદનમાં સમાવેશી (Inclusive) જેવા શબ્દોને ટાળવામાં આવ્યા છે, જે અફઘાન સરકારને લઈને સભ્યોનો નરમ વલણ સૂચવે છે.
પ્રાદેશિક એકતા અને સૈન્ય હસ્તક્ષેપનો વિરોધ:
સંયુક્ત નિવેદનમાં સામેલ દેશોએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, “અફઘાનિસ્તાન અને પડોશી દેશોમાં સૈન્ય માળખું તૈનાત કરવાના દેશોના પ્રયાસોને અસ્વીકાર્ય છે, કારણ કે આ પ્રાદેશિક શાંતિ અને સ્થિરતાના હિતમાં નથી.” આ નિવેદન દ્વારા ભારત સહિતના તમામ પ્રાદેશિક દેશોએ સંયુક્તપણે અમેરિકા દ્વારા બગ્રામ સૈન્ય બેઝ (અફઘાનિસ્તાન) પર કબજો મેળવવાના પ્રયાસોનો કે અન્ય કોઈ પડોશી દેશમાં સૈન્ય માળખું ઊભું કરવાના પ્રયાસોનો વિરોધ નોંધાવ્યો છે.
આતંકવાદ અને વિકાસ પર ભાર:
બધા પક્ષોએ અફઘાનિસ્તાનને એક સ્વતંત્ર, એકીકૃત અને શાંતિપૂર્ણ રાજ્ય તરીકે સ્થાપિત કરવાના તેમના અડગ સમર્થનની પુનઃ પુષ્ટિ કરી હતી. તેમણે આતંકવાદ સામે દ્વિપક્ષીય અને બહુપક્ષીય સ્તરે સહકાર મજબૂત કરવા હાકલ કરી હતી. નિવેદનમાં ભારપૂર્વક જણાવાયું હતું કે અફઘાનિસ્તાનને ટૂંકા ગાળામાં આતંકવાદના સંપૂર્ણ નાબૂદી માટે સમર્થન આપવું જોઈએ, જેથી તેની ધરતીનો ઉપયોગ પડોશી દેશો અને અન્ય ક્ષેત્રોની સુરક્ષા માટે ખતરો ન બને.
આ ઉપરાંત, પક્ષોએ અફઘાનિસ્તાનનું પ્રાદેશિક કનેક્ટિવિટી સિસ્ટમમાં સક્રિય એકીકરણ, આર્થિક અને વેપાર વિનિમય, રોકાણ સહકાર અને માનવતાવાદી સહાય ચાલુ રાખવાના મહત્વ પર ભાર મૂક્યો હતો.
