વલ્લભ વિદ્યાનગર: ચારુતર વિદ્યામંડળ સંચાલિત જી. એચ. પટેલ કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી (GCET) ખાતે કમ્પ્યુટર એન્જિનિયરિંગ વિભાગ અને પ્રતિષ્ઠિત સોફ્ટવેર કંપની Odoo India Private Limited ના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય સ્તરના ૨૪ કલાકના હેકાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. ૩૧ જાન્યુઆરી અને ૧ ફેબ્રુઆરી ૨૦૨૬ દરમિયાન યોજાયેલા આ “Odoo x GCET Hackathon ’26” એ દેશના યુવા એન્જિનિયરોને ઉદ્યોગ જગતની વાસ્તવિક સમસ્યાઓના ટેકનિકલ સોલ્યુશન શોધવા માટે એક મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું.
રાષ્ટ્રીય સ્તરે ઉત્સાહજનક પ્રતિસાદ
આ હેકાથોનની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે વર્ચ્યુઅલ રાઉન્ડ માટે સમગ્ર દેશમાંથી ૭૫૦ થી વધુ ટીમો અને અંદાજે ૧૮૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી. કડક મૂલ્યાંકન બાદ ૯૦ શ્રેષ્ઠ ટીમોને ઓફલાઇન ફાઇનલ રાઉન્ડ માટે પસંદ કરવામાં આવી હતી. જેમાં કુલ ૩૨૨ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. નોંધનીય છે કે આ સ્પર્ધકો દેશની ૫૦ વિવિધ કોલેજોમાંથી આવ્યા હતા, જેમાં ગુજરાત બહારની ૧૫ જાણીતી કોલેજોનો પણ સમાવેશ થાય છે.
૨૪ કલાકનું પડકારજનક કોડિંગ
ફાઇનલ રાઉન્ડ દરમિયાન ટીમોને તત્કાળ પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ (સમસ્યાઓ) આપવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ આધુનિક ટેકનોલોજી, API, ડેટાબેઝ અને યુઝર-ફ્રેન્ડલી ઇન્ટરફેસનો ઉપયોગ કરીને ૨૪ કલાક સતત કાર્ય કરી નવીન સોફ્ટવેર સોલ્યુશન્સ તૈયાર કર્યા હતા. આ પ્રોજેક્ટ્સનું મૂલ્યાંકન કરવા માટે ઉદ્યોગ ક્ષેત્રના ૧૬ દિગ્ગજ નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા.
ઇનામોની લહાણી અને રોજગારની તક
સ્પર્ધાના અંતે વિજેતાઓને રોકડ પુરસ્કાર આપી નવાજવામાં આવ્યા હતા. જેમાં વિજેતા ટીમને રૂ. ૪૫,૦૦૦ રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત પ્રથમ રનર-અપને રૂ. ૩૫,૦૦૦ અને દ્વિતીય રનર-અપને રૂ. ૨૫,૦૦૦. રોકડ ઇનામ ઉપરાંત વિદ્યાર્થીઓને Odoo તરફથી આકર્ષક ગુડીઝ અને પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. સૌથી મહત્વની વાત એ છે કે, વિશેષ ટેલેન્ટ ધરાવતા વિદ્યાર્થીઓને Odoo કંપની તરફથી ઉચ્ચ પગાર પેકેજ સાથે જૉબ ઓફર મળવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
મહાનુભાવોની ઉપસ્થિતિ
આ પ્રસંગે CVM યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉ. ઇન્દ્રજીત પટેલે મુખ્ય મહેમાન તરીકે હાજર રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. Odoo ઇન્ડિયાના કોર્પોરેટ ઇવેન્ટ મેનેજર શાર્દૂલ દવેએ વિશિષ્ટ મહેમાન તરીકે ઉપસ્થિત રહી ઉદ્યોગ અને શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચેના સમન્વય પર ભાર મૂક્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન પ્રિન્સિપાલ ડૉ. કૌશિક નાથ અને વિભાગીય વડા ડૉ. સુધીર વેગડના માર્ગદર્શન હેઠળ ડૉ. નીરવ રાજા, હેતલ ગૌદાણી અને બ્રિજેશ પટેલની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.
