ગાંધીનગર: અરવલ્લી જિલ્લાના શામળાજી નજીક ખેરાંચા-ખોડામ્બા હાઈવે પર ઓટોમોબાઈલ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા અને પાછળના બંને પગે સંપૂર્ણપણે લકવાગ્રસ્ત (પેરાલાઈઝ્ડ) થયેલા એક દીપડાને નવી જિંદગી મળી છે. ગાંધીનગર સ્થિત ‘ગુજરાત ઈકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ’ (GEER) ફાઉન્ડેશન અને વન વિભાગની પશુચિકિત્સક ટીમની મહિનાઓની સ્પેશિયલાઈઝ્ડ ટ્રીટમેન્ટ અને સતત સારસંભાળના પરિણામે દીપડો હવે કુદરતી રીતે ચાલતો થઈ ગયો છે.
જાન્યુઆરી ૨૦૨૬માં બનેલી આ ઘટના બાદ વન વિભાગની રેસ્ક્યૂ ટીમે તેને સલામત રીતે બચાવીને પ્રાથમિક સારવાર આપી હતી. ત્યારબાદ દીપડાની ગંભીર ચેતાતંત્ર (Neurological) ની સ્થિતિને ધ્યાનમાં રાખીને તેને અદ્યતન સારવાર માટે ગીર (GEER) ફાઉન્ડેશન ખાતે ખસેડવામાં આવ્યો હતો.
કરોડરજ્જુમાં ગંભીર ફ્રેક્ચર અને મલ્ટિપલ ઇજાઓ
કામધેનુ યુનિવર્સિટી, હિંમતનગર ખાતે કરવામાં આવેલા રેડિયોગ્રાફિક પરીક્ષણ (X-ray) દરમિયાન જાણવા મળ્યું હતું કે દીપડાની કરોડરજ્જુના ‘L7-S1’ ભાગમાં ગંભીર ફ્રેક્ચર (Lumbosacral fracture subluxation) થયું હતું. આ ભાગ પાછળના પગ, પૂંછડી અને નિતંબના સ્નાયુઓ સાથે જોડાયેલો હોવાથી દીપડાના પાછળના બંને પગ સંપૂર્ણ નિષ્ક્રિય થઈ ગયા હતા. આ ઉપરાંત દીપડાના નીચેના જડબામાં ગંભીર ઈજા અને ઈન્ફેક્શન થતાં તે ખોરાક કે પાણી પણ લઈ શકતો નહોતો. તે ઊભો થઈ શકતો ન હોવાથી માત્ર આગળના બે પગ વડે શરીર ઢસડીને ચાલવા મજબૂર હતો.

ઈન્દ્રોડા પાર્કમાં સ્પેશિયલ કેજ અને રિકવરીની સફર
ગાંધીનગરના ઈન્દ્રોડા નેચર પાર્ક ખાતે આવેલી GEER ફાઉન્ડેશનની વેટરનરી હોસ્પિટલમાં દીપડા માટે ખાસ ડિઝાઇન કરેલું ‘ટ્રીટમેન્ટ કેજ’ તૈયાર કરવામાં આવ્યું હતું. જેથી તેની હિલચાલ મર્યાદિત રહે અને કરોડરજ્જુને વધુ નુકસાન ન થાય.
| દિવસ / સમયગાળો | રિકવરી અને સુધારાની વિગત |
| પ્રથમ ૩ દિવસ | દીપડાએ પોતાની મેળે ખોરાક અને પાણી લેવાનું શરૂ કર્યું. |
| ૫મો દિવસ | કુદરતી હાજત (પેશાબ અને મળત્યાગ) પ્રક્રિયા સામાન્ય બની. |
| ૧ સપ્તાહ | દીપડાએ પોતાની કુદરતી અક્રમકતા અને શક્તિ પાછી મેળવી. |
| ૨૦મો દિવસ | આગળના પગના ટેકે શરીર ઊંચું કરવાનો પ્રયાસ કર્યો. |
| ૪૦મો દિવસ | ચારેય પગ પર ઊભા રહેવામાં સફળતા મળી. |
| ૨ મહિના અને ૧૫ દિવસ | દીપડો સામાન્ય રીતે ચાલતો થઈ ગયો અને બોડી પોસ્ચર સામાન્ય બન્યું. |
જંગલમાં છોડવાને બદલે ઈન્દ્રોડા પાર્ક બન્યું કાયમી સરનામું
જોકે દીપડો સંપૂર્ણ સાજો થઈ ગયો છે, તેમ છતાં કરોડરજ્જુની ઈજાને કારણે તેની પૂંછડી અને પીઠના ભાગમાં સહેજ નમન રહી ગયું છે. જંગલમાં શિકાર કરવા, પ્રદેશ સાચવવા અને અન્ય હિંસક પ્રાણીઓ સામે બચાવ કરવામાં મુશ્કેલી પડી શકે તેમ હોવાથી, સત્તાવાળાઓએ તેને જંગલમાં મુક્ત કરવાને બદલે ઈન્દ્રોડા નેચર પાર્ક ખાતે જ કુદરતી વાતાવરણમાં રાખવાનો નિર્ણય કર્યો છે.
ઈન્દ્રોડા પાર્કમાં આકાર લઈ રહી છે સ્ટેટ-ઓફ-ધી-આર્ટ વેટરનરી હોસ્પિટલ
જીઆઈઈઆર (GEER) ફાઉન્ડેશન દ્વારા વન્યજીવોની આધુનિક સારવાર માટે ઈન્દ્રોડા નેચર પાર્ક ખાતે અત્યાધુનિક ‘મોડર્ન વાઈલ્ડલાઈફ વેટરનરી હોસ્પિટલ’ વિકસાવવામાં આવી રહી છે. જેમાં ડિજિટલ રેડિયોગ્રાફી, સોનોગ્રાફી, સ્પેશિયલ ઓપરેશન થિયેટર, આઈસીયુ (ICU), પેથોલોજી લેબ અને આઈસીયુ વોર્ડ જેવી વિશ્વસ્તરીય સવલતો ઉપલબ્ધ હશે. નોંધનીય છે કે, વર્ષ ૨૦૨૬ દરમિયાન આ ટીમે ૧૦થી વધુ જટિલ વાઈલ્ડલાઈફ રેસ્ક્યૂ અને સારવારના ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યા છે.
