ગાંધીનગર: શુદ્ધ, સાત્વિક અને ભેળસેળમુક્ત ખોરાક મેળવવો એ ગુજરાતના દરેક નાગરિકનો અધિકાર છે. આ સંકલ્પ સાથે નવરાત્રિના પાવન પર્વ દરમિયાન અને ત્યારબાદ પણ રાજ્યના તમામ નાગરિકોને શુદ્ધ ખાદ્ય સામગ્રી મળી રહે તે સુનિશ્ચિત કરવા રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજી હતી. ગાંધીનગર ખાતે ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર તેમજ ઉચ્ચ અધિકારીઓ સાથે યોજાયેલી આ બેઠકમાં આરોગ્ય મંત્રીએ સ્પષ્ટ સૂચનાઓ આપતાં જણાવ્યું હતું કે, જનઆરોગ્ય સાથે રમત કરનારા તત્વો સામે રાજ્ય સરકાર દ્વારા આકરામાં આકરા કાનૂની પગલાં ભરવામાં આવશે.

નવરાત્રિ મહોત્સવ દરમિયાન દૂધ, ઘી, મીઠાઈઓ અને વિવિધ ફરસાણની માંગમાં મોટો ઉછાળો આવતો હોય છે. આ સમયગાળા દરમિયાન થતી સંભવિત ભેળસેળને અટકાવવા માટે સમગ્ર ગુજરાતમાં ‘મોબાઈલ ફૂડ ટેસ્ટિંગ વાન’ (Mobile Food Testing Vans) ને સક્રિય કરી દેવામાં આવી છે. આ વાહનો દ્વારા સ્થળ પર જ ખાદ્ય સામગ્રીના નમૂના લઈ ચકાસણી કરવામાં આવશે. આરોગ્ય મંત્રીએ નાગરિકોને જાગૃત થવા અપીલ કરતાં જણાવ્યું હતું કે, ગ્રાહકો હોટેલ કે રેસ્ટોરન્ટના રસોડાની સ્વચ્છતા જાતે ચકાસી શકે છે. જો ક્યાંય પણ અસ્વચ્છતા કે ભેળસેળ જણાય તો તુરંત જ ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ગાંધીનગર કચેરી ખાતે સત્તાવાર ફરિયાદ નોંધાવી શકે છે.
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના સીધા માર્ગદર્શન હેઠળ તાજેતરમાં ૧૪ થી ૨૮ સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાન રાજ્યવ્યાપી ‘હોસ્ટેલ-કેન્ટીન સ્પેશિયલ ડ્રાઈવ’ હાથ ધરવામાં આવી હતી. આ સ્પેશિયલ અભિયાન હેઠળ રાજ્યની કુલ ૧૪૦૭ હોસ્ટેલ અને કેન્ટીનોમાં આકસ્મિક તપાસ કરવામાં આવી હતી, જેમાં ૨૫૯ સરકારી, ૩૦૩ અર્ધસરકારી અને ૮૪૫ ખાનગી એકમોનો સમાવેશ થાય છે. તપાસ દરમિયાન ગંભીર અસ્વચ્છતા કે ખામીઓ ધરાવતી ૩૨૮ હોસ્ટેલ-કેન્ટીનને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ પાઠવવામાં આવી હતી, જ્યારે ૪૫૯ એકમોમાંથી ખાદ્ય પદાર્થોના નમૂનાઓ લેબોરેટરી ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા હતા. નિયમોના ભંગ બદલ ૧૬ એકમો સ્વૈચ્છિક રીતે બંધ થયા હતા અને ૫ એકમોના લાયસન્સ સસ્પેન્ડ કરી દેવાયા હતા.
આરોગ્ય મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ સ્પેશિયલ ચેકિંગ ઝુંબેશ માત્ર તહેવારો પૂરતી મર્યાદિત ન રહેતાં વર્ષભર કાયમી ધોરણે ચાલુ રાખવામાં આવશે. તેમણે સુરત, અમદાવાદ અને વડોદરા જેવી મહાનગરપાલિકાઓની ટીમો દ્વારા દિવસ-રાત કરવામાં આવતી કામગીરીને બિરદાવી હતી. રાજ્ય સરકારની આ કડક ઝુંબેશથી ભેળસેળિયા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને નાગરિકોને શુદ્ધ તથા તંદુરસ્ત ભોજન મળવાનો માર્ગ વધુ સુદ્રઢ બન્યો છે.
