ગુજરાતના નાગરિકો માટે એક અત્યંત મહત્ત્વપૂર્ણ અને મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકારે રેશન કાર્ડના ઉપયોગને લઈને એક મોટો અને સ્પષ્ટ નિર્ણય જાહેર કર્યો છે. હવેથી રેશન કાર્ડનો ઉપયોગ અન્ય કોઈ પણ જગ્યાએ ઓળખના પુરાવા (Identity Proof) અથવા રહેઠાણના પુરાવા (Proof of Residence) તરીકે કરી શકાશે નહીં.
ગુજરાત સરકારના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ (FCSC&AD) દ્વારા આ અંગેનું સત્તાવાર પરિપત્રક (પરિપત્ર ક્રમાંક: FCS/CAD/MIS/E-file/5/2025/1318/C (PDS) Section) બહાર પાડવામાં આવ્યું છે.

નિયમ શા માટે બદલાયો?
સરકાર દ્વારા આ નિર્ણય ભારત સરકારના અન્ન અને જાહેર વિતરણ મંત્રાલયના “Targeted Public Distribution System (Control) Order, 2015” ના આદેશ મુજબ લેવામાં આવ્યો છે. આ આદેશની કંડિકા નં. ૭ (ક) માં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે, “Ration Card Shall not be used as a document of identity or proof of residence”. આ કેન્દ્રીય આદેશને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે રાજ્યમાં પણ આ સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા માટે પરિપત્ર બહાર પાડ્યું છે.
રેશન કાર્ડનો ઉપયોગ હવે ક્યાં થશે?
સરકારના નવા પરિપત્ર મુજબ, રેશન કાર્ડનો ઉપયોગ હવે ફક્ત બે મુખ્ય હેતુઓ માટે જ મર્યાદિત રહેશે:
૧. ફક્ત ગેસ મેળવવા માટે: રેશન કાર્ડનો ઉપયોગ ઈંધણ અથવા રાંધણ ગેસની યોજનાઓ અને વિતરણ પ્રણાલીમાં જ્યાં આવશ્યક હોય ત્યાં થઈ શકશે.
૨. ફક્ત વ્યાજબી ભાવની દુકાનમાંથી રાશન મેળવવા માટે: રેશન કાર્ડનો મુખ્ય અને મર્યાદિત ઉપયોગ હવે વ્યાજબી ભાવની દુકાનો (Fair Price Shop) પરથી સરકારી યોજનાઓ હેઠળ આવશ્યક ચીજવસ્તુઓ (ખાદ્ય પદાર્થો) મેળવવા માટે જ થઈ શકશે.
સરકારે સ્પષ્ટતા કરી છે કે આ નિર્ણય અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ દ્વારા વિભાગની સમકક્ષ કક્ષાની કાર્યવાહી માટે લેવામાં આવ્યો છે.
આ નિર્ણયથી હવે સરકારી કે બિન-સરકારી કામકાજમાં જ્યાં પણ ઓળખ અથવા રહેઠાણના પુરાવા તરીકે રેશન કાર્ડનો ઉપયોગ થતો હતો, ત્યાં નાગરિકોને અન્ય વૈકલ્પિક દસ્તાવેજો (જેમ કે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ વગેરે)નો ઉપયોગ કરવો પડશે.
