વડોદરા: વડોદરાની જાણીતી બાન્કો એલ્યુમિનિયમ લિમિટેડ કંપની સાથે અંદાજે ₹4.16 કરોડની છેતરપિંડી આચરનાર અને છેલ્લા અઢી વર્ષથી પોલીસને થાપ આપી રહેલા મુખ્ય આરોપીને ઝડપી પાડવામાં વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. સુરત ખાતેથી ઝડપાયેલા આ આરોપીએ વિદેશ જતા કીમતી સામાનમાં મોટી હેરાફેરી કરી કંપનીને કરોડોનું નુકસાન પહોંચાડ્યું હતું.
શું હતી સમગ્ર ઘટના? (જૂલાઈ-ઓગસ્ટ ૨૦૨૩)
વડોદરાથી નેધરલેન્ડ અને જર્મની એક્સપોર્ટ કરવા માટે બાન્કો કંપની દ્વારા ૭ કન્ટેનરોમાં કીમતી સામાન રવાના કરવામાં આવ્યો હતો. જોકે, આ સામાન વિદેશ પહોંચે તે પહેલાં જ આરોપીઓએ રસ્તામાં એક મોટું ગુનાહિત કાવતરું રચ્યું હતું આરોપીએ સુરત સુધીના માર્ગમાં કન્ટેનરોને ઉભા રાખ્યા હતા અને કંપનીની જાણ બહાર તેના સીલ તોડી અંદરનો અસલ કીમતી સામાન કાઢી લીધો હતો. ઠગાઈ પકડાય નહીં તે માટે આરોપીઓએ કન્ટેનરમાં અસલ સામાનની જગ્યાએ હલકી ગુણવત્તાનો અન્ય સામાન ભરી દીધો હતો અને તેના પર બનાવટી સીલ મારી કંપની તેમજ નિકાસકારો સાથે મોટો વિશ્વાસઘાત કર્યો હતો. આ સમગ્ર કૌભાંડમાં કુલ રૂ. ૪,૧૬,૫૯,૭૬૧/- ની ઠગાઈ થઈ હતી.
સુરતથી ઝડપાયો ‘સુધીર સિંહ’
ક્રાઈમ બ્રાન્ચની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ (બાતમીદારો) ના આધારે આરોપી સુધીરકુમાર ગયાપ્રસાદ સિંહને સુરતના ઓલપાડ વિસ્તારમાં આવેલી સેલિબ્રેશન હોમ્સ સોસાયટીમાંથી દબોચી લીધો છે. આરોપી મૂળ ઉત્તર પ્રદેશના અયોધ્યા જિલ્લાનો રહેવાસી છે.
કાયદેસરની કાર્યવાહી
પકડાયેલા આરોપી સામે વડોદરાના ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાત, બનાવટી દસ્તાવેજો બનાવવા અને ગુનાહિત કાવતરા જેવી ગંભીર કલમો (IPC 407, 467, 471, 120B વગેરે) હેઠળ ગુનો નોંધાયેલો છે. હાલમાં પોલીસ દ્વારા આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે, જેથી આ કૌભાંડમાં સામેલ અન્ય શખ્સો અને ચોરી કરેલા સામાનની રિકવરી વિશે વધુ વિગતો જાણી શકાય.
