વડોદરા: સંસ્કારી નગરી વડોદરાના શહેરીજનો માટે પરિવહન ક્ષેત્રે સારા સમાચાર આવ્યા છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને મેટ્રો જેવી હાઈટેક સુવિધા આપવા માટે કવાયત તેજ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી ઈ-બસ સેવા અંતર્ગત વડોદરામાં સંભવતઃ ફેબ્રુઆરી 2026ના અંત સુધીમાં એવી ઈ-બસો શરૂ થશે જેમાં “આગળનું સ્ટોપ માંડવી છે” જેવી ઓટોમેટિક પેસેન્જર એનાઉન્સમેન્ટ સિસ્ટમ કાર્યરત હશે.
ત્રણ ફેઝમાં આવશે 130 ઈ-બસો
કોર્પોરેશનના એક્ઝિક્યુટિવ એન્જિનિયર ચિંતન ચૌધરીના જણાવ્યા અનુસાર, પ્રથમ ફેઝમાં ઓગસ્ટ 2026 સુધીમાં કુલ 130 બસો લાવવામાં આવશે. જે પૈકી પ્રથમ 40 બસો ફેબ્રુઆરી 2026 સુધીમાં શહેરના માર્ગો પર દોડતી કરી દેવાનું આયોજન છે. ત્યારબાદ બીજા ફેઝમાં 30 અને ત્રીજા ફેઝમાં 60 બસો આવશે. કુલ મળીને શહેર માટે 250 ઈ-બસો લાવવાનું લક્ષ્ય છે.
ગોત્રીમાં તૈયાર થઈ રહ્યું છે આધુનિક ચાર્જિંગ હબ
ઈ-બસોના સંચાલન માટે ગોત્રી વિસ્તારમાં એક વિશાળ ચાર્જિંગ હબ તૈયાર કરવામાં આવી રહ્યું છે, જે જાન્યુઆરી 2026 સુધીમાં તૈયાર થઈ જશે. અહીં એકસાથે 24 બસો ચાર્જ થઈ શકશે. ભવિષ્યમાં શહેરના ચારેય ઝોનમાં આવા ચાર્જિંગ સ્ટેશનો બનાવવાનું પણ આયોજન છે.
નવી ઈ-બસની હાઈટેક વિશેષતાઓ
- AC સુવિધા: તમામ બસો સંપૂર્ણ વાતાનુકુલિત (Fully AC) હશે.
- એનાઉન્સમેન્ટ અને GPS: દરેક સ્ટોપની માહિતી ઓડિયો સિસ્ટમ દ્વારા અપાશે અને GPS થી બસ ટ્રેક કરી શકાશે.
- દિવ્યાંગ મૈત્રીપૂર્ણ: દિવ્યાંગો સરળતાથી બેસી શકે તેવી સ્પેશિયલ રેમ્પ સુવિધા.
- રેન્જ: એકવાર ફૂલ ચાર્જ થયા બાદ બસ 150 કિમી સુધી દોડશે (ચાર્જિંગ સમય: 3.30 કલાક).
- ક્ષમતા: 9 મીટર લંબાઈની આ ‘મિડી’ બસમાં 35 મુસાફરોની બેસવાની ક્ષમતા છે.
ભાડામાં નજીવો ફેરફાર થઈ શકે છે
હાલમાં વડોદરામાં સીટી બસ સેવાનો લાભ રોજિંદા 1.25 લાખ મુસાફરો લઈ રહ્યા છે. અત્યારે લઘુત્તમ ભાડું ₹5 (2 કિમી સુધી) અને મહત્તમ ₹20 છે. જોકે, સૂત્રોના જણાવ્યા મુજબ કોર્પોરેશન આગામી સમયમાં મિનીમમ ભાડું ₹6 કરવાનું વિચારી રહી છે. આ ઈ-બસોનું સંચાલન JBM કંપની દ્વારા કરવામાં આવશે, જેમને પ્રતિ કિમી ₹65 લેખે ચૂકવણી કરવામાં આવશે.
