વડોદરા: પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ દ્વારા મુસાફરોની સુવિધાઓને વધુ આધુનિક બનાવવાના પ્રયાસરૂપે એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. વડોદરા રેલવે સ્ટેશન પર નવનિર્મિત ‘ડિજિટલ લાઉન્જ’નું આજે, ૨૮ માર્ચ ૨૦૨૬ના રોજ માનનીય સાંસદ ડૉ. હેમાંગ જોષીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વડોદરા મંડળના વરિષ્ઠ અધિકારીઓ અને ડીઆરએમ (DRM) પણ ઉપસ્થિત રહ્યા હતા.
એરપોર્ટ જેવી સુવિધાઓ હવે રેલવેમાં
ઉદ્ઘાટન બાદ સાંસદ ડૉ. હેમાંગ જોષીએ જણાવ્યું હતું કે, વડોદરા રેલવે સ્ટેશન પર શરૂ થયેલું આ ડિજિટલ લાઉન્જ ગુજરાતની પ્રથમ આવી સુવિધા છે. જે રીતે એરપોર્ટ પર મુસાફરો માટે પ્રીમિયમ લાઉન્જ હોય છે, બિલકુલ તેવી જ સુવિધાઓ અહીં ઉભી કરવામાં આવી છે.


આ લાઉન્જમાં:
- આધુનિક બેઠક વ્યવસ્થા: આરામદાયક સોફા અને પ્રીમિયમ એમ્બિયન્સ.
- કોન્ફરન્સ રૂમ: બિઝનેસ ટ્રાવેલર્સ માટે કાર્ય કરવાની અને મિટિંગ કરવાની વ્યવસ્થા.
- અન્ય સુવિધાઓ: સ્નાન કરવા માટેની વ્યવસ્થા (Bathing facility), તાજગીસભર ચા-નાસ્તો અને રિફ્રેશમેન્ટ.
- ક્ષમતા: પ્રાથમિક રીતે અહીં ૬ થી ૮ મુસાફરો માટે પ્રીમિયમ સુવિધા ઉપલબ્ધ છે.
વરિષ્ઠ મંડળ વાણિજ્યિક પ્રબંધક નરેન્દ્ર કુમારના જણાવ્યા અનુસાર, ભારતીય રેલવેમાં આ પ્રકારનું આ માત્ર બીજું ડિજિટલ લાઉન્જ છે, જે વડોદરાની વધતી જતી લોકપ્રિયતા અને મુસાફરોની માંગને ધ્યાને રાખી તૈયાર કરાયું છે.
અલ્કાપુરી ગરનાળા અને નવા બ્રિજ અંગે મહત્વની અપડેટ
આ પ્રસંગે ડીઆરએમએ વડોદરાના જાણીતા અલ્કાપુરી ગરનાળાના પ્રશ્ને પણ વાત કરી હતી. ચોમાસામાં અહીં પાણી ભરાવાની સમસ્યા અંગે તેમણે ખાતરી આપી હતી કે રેલવે અને વડોદરા મહાનગરપાલિકા (VMC) વચ્ચે ક્લોઝ કોર્ડિનેશન છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ ડ્રેનેજ અને પંપિંગની વ્યવસ્થા પર પૂરતું ધ્યાન આપવામાં આવશે જેથી વાહનચાલકોને મુશ્કેલી ન પડે.
વધુમાં, ગરનાળાના સ્થાને જે નવા માર્ગ અને બ્રિજનું નિર્માણ થવાનું છે તેની ડિઝાઇન હાલ ફાઈનલાઈઝેશન સ્ટેજ પર છે. રેલવે, પાલિકા અને સરકાર સંયુક્ત રીતે આ પ્રોજેક્ટને ઝડપથી આગળ વધારવા માટે બેઠકો કરી રહ્યા છે.
