કચ્છ: ગુજરાતના પર્યાવરણ અને વન્યજીવ પ્રેમીઓ માટે ઉત્સાહના સમાચાર સામે આવ્યા છે. કચ્છના રણ વિસ્તારમાં લગભગ એક દાયકાના લાંબા સમયગાળા બાદ અત્યંત દુર્લભ અને લુપ્તપ્રાય ગણાતા ‘ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ’ (ઘોરાડ – GIB) ના બચ્ચાનો જન્મ થયો છે. ભારત સરકાર, રાજસ્થાન અને ગુજરાતના વન વિભાગ તેમજ વાઈલ્ડલાઈફ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (WII) ના સંયુક્ત પ્રયાસો અને ‘જમ્પસ્ટાર્ટ’ (Jumpstart) નામની નવતર સંરક્ષણ પદ્ધતિને કારણે આ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ થઈ છે.
રાજસ્થાનથી ગુજરાત સુધીનો ૧૯ કલાકનો પડકારજનક પ્રવાસ
આ સફળતા પાછળ વૈજ્ઞાનિકોની અદભૂત મહેનત રહેલી છે. કચ્છમાં ઘોરાડની વસ્તીમાં નર પક્ષીઓનો અભાવ હોવાથી ત્યાંની માદા પક્ષીઓએ મૂકેલા ઈંડા ફળદ્રુપ નહોતા. આ સમસ્યાના ઉકેલ માટે, રાજસ્થાનના જેસલમેર (સામ અને રામદેવરા) સ્થિત સંરક્ષણ કેન્દ્રમાંથી એક ફળદ્રુપ ઈંડું પસંદ કરવામાં આવ્યું હતું. આ ઈંડાને પોર્ટેબલ ઈન્ક્યુબેટરમાં રાખીને સતત ૧૯ કલાક સુધી સડક માર્ગે મુસાફરી કરાવીને કચ્છ લાવવામાં આવ્યું હતું. ૨૨ માર્ચના રોજ, કચ્છમાં માદા ઘોરાડના માળામાં તેના બિનફળદ્રુપ ઈંડાની જગ્યાએ આ ફળદ્રુપ ઈંડું મૂકવામાં આવ્યું હતું.
‘ફોસ્ટર મધર’ એ આપ્યું નવજીવન
માદા ઘોરાડે આ ઈંડાને પોતાના સંતાન તરીકે સ્વીકારી લીધું અને સતત સેવન કર્યું હતું. ૨૬ માર્ચના રોજ આ ઈંડામાંથી સફળતાપૂર્વક બચ્ચાનો જન્મ થયો હતો. હાલમાં આ નવું જન્મેલું બચ્ચું તેની પાલક માતા (Foster Mother) સાથે કુદરતી માહોલમાં સુરક્ષિત છે અને ફિલ્ડ મોનિટરિંગ ટીમ તેની સતત દેખરેખ રાખી રહી છે.
પ્રોજેક્ટ GIB અને ભવિષ્યની યોજના
વર્ષ ૨૦૧૧માં તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઘોરાડના સંરક્ષણ માટે જોવાયેલા સ્વપ્નને ૨૦૧૬માં ‘પ્રોજેક્ટ GIB’ તરીકે અમલમાં મૂકવામાં આવ્યો હતો. આજે સંરક્ષણ સંવર્ધન કેન્દ્રોમાં પક્ષીઓની સંખ્યા ૭૩ સુધી પહોંચી છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ આ ઘટનાને ગુજરાતની ધરતીની ઐતિહાસિક સફળતા ગણાવીને તમામ વૈજ્ઞાનિકો અને વનકર્મીઓને અભિનંદન પાઠવ્યા છે. આગામી સમયમાં આ પક્ષીઓને ફરીથી કુદરતી જંગલોમાં મુક્ત કરવા (Rewilding) માટેની પ્રક્રિયા તેજ કરવામાં આવશે.
