વડતાલ: સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થધામ અને સંપ્રદાયની રાજધાની સમાન વડતાલધામમાં શનિવારે પોષી પૂનમના પવિત્ર અવસરે શ્રદ્ધાનું ઘોડાપૂર ઉમટ્યું હતું. વહેલી સવારથી જ મંગળા આરતીના દર્શન કરવા માટે હજારો હરિભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. દિવસ દરમિયાન અંદાજે ૧ લાખ ૨૦ હજારથી વધુ શ્રદ્ધાળુઓએ ભગવાન લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મંદિરનું વિશાળ પટાંગણ હરિભક્તોની ભીડથી ઉભરાઈ ગયું હતું.
૫૦ હજારથી વધુ ભક્તોએ લીધો મહાપ્રસાદ
દર્શનાર્થે આવેલા ભક્તો માટે મંદિર પ્રશાસન દ્વારા ભોજન અને મહાપ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, ૫૦,૦૦૦થી વધુ હરિભક્તોએ ખૂબ જ શાંતિપૂર્વક અને શ્રદ્ધાપૂર્વક મહાપ્રસાદનો લાભ લીધો હતો. શણગાર આરતી અને રાજભોગ આરતી સમયે ભીડ એટલી પ્રચંડ હતી કે હૈયે હૈયું ભીંસાઈ તેવા દ્રશ્યો સર્જાયા હતા.
ઐતિહાસિક મહાવિષ્ણુયાગની સ્મૃતિ
આજના દિવસનું વિશેષ મહત્વ જણાવતા સંતોએ ઉમેર્યું હતું કે, ૨૧૬ વર્ષ પૂર્વે ભગવાન હરિએ ડભાણ મુકામે અદભૂત મહાવિષ્ણુયાગ કર્યો હતો. ડભાણના પરમ ભક્ત વિષ્ણુદાસ પટેલના આગ્રહને વશ થઈને શ્રીજી મહારાજે આ પ્રથમ અને સંપ્રદાયનો સૌથી મોટો યજ્ઞ યોજ્યો હતો. ભગવાન સ્વામિનારાયણ પોતે આ યજ્ઞમાં બિરાજમાન થયા હતા અને નંદ સંતોની સેવા સ્વીકારી હતી. પોષી પૂનમના દિવસે આ ઐતિહાસિક પ્રસંગની સ્મૃતિ તાજી થતા વડતાલધામ ભક્તિમય બની ગયું હતું.
વડતાલ ટેમ્પલ બોર્ડ અને સ્વયંસેવકો દ્વારા ભીડને નિયંત્રિત કરવા અને ભક્તોને સરળતાથી દર્શન થાય તે માટે સરાહનીય કામગીરી કરવામાં આવી હતી.
