વડોદરા (વાઘોડિયા): વડોદરા જિલ્લાના વાઘોડિયામાં મોડી સાંજે લૂંટની એક લોહિયાળ ઘટના સામે આવી છે. વાઘોડિયા લાઈબ્રેરી પાસે ‘ડી.સી. જ્વેલર્સ’ નામની દુકાન ધરાવતા વેપારી જીગ્નેશભાઈ પોલા પર અજાણ્યા શખ્સોએ હુમલો કરી લૂંટ ચલાવી છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભય અને ચકચારનો માહોલ જોવા મળી રહ્યો છે.
દુકાન બંધ કરી ઘરે જતી વખતે બની ઘટના
મળતી વિગતો અનુસાર, જીગ્નેશભાઈ પોલા સોના-ચાંદીના દાગીના અને નાણાં ધીરધારનો વ્યવસાય કરે છે. રાત્રે અંદાજે 8 વાગ્યાના સુમારે તેઓ પોતાની દુકાન બંધ કરી, દિવસનો વકરો અને કિંમતી દાગીના બેગમાં ભરીને પોતાના મોપેડ (એક્ટિવા) પર સવાર થઈને ઘરે જવા નીકળ્યા હતા.
જ્યારે તેઓ નારાયણ નગર સોસાયટી પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે બાઈક પર સવાર થઈને આવેલા ચાર જેટલા અજાણ્યા ઈસમોએ તેમનો પીછો કર્યો હતો. લૂંટારાઓએ ચાલુ એક્ટિવે જીગ્નેશભાઈના માથાના ભાગે પાછળથી લાકડીના સટાડા મારી દેતા તેઓ નીચે પટકાયા હતા. વેપારી લોહીલુહાણ હાલતમાં નીચે પડતા જ લૂંટારાઓ તેમની પાસે રહેલી બેગ આંચકીને ફરાર થઈ ગયા હતા.
40 ગ્રામ સોનું અને રોકડની લૂંટ
પ્રાથમિક જાણકારી મુજબ, લૂંટારાઓ બેગમાં રહેલા 40 ગ્રામ સોનાના દાગીના અને અંદાજે 50 હજાર રૂપિયાની રોકડ રકમ લૂંટી ગયા છે. હુમલાને કારણે જીગ્નેશભાઈને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું કહેવાય છે.
પોલીસ તપાસનો ધમધમાટ
ઘટનાની જાણ થતાં જ વાઘોડિયા પોલીસનો કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચ્યો હતો. પોલીસે અજાણ્યા ચાર લૂંટારાઓ સામે લૂંટ અને હુમલાનો ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આસપાસના સીસીટીવી (CCTV) ફૂટેજ તપાસીને લૂંટારાઓ કઈ દિશામાં ભાગ્યા છે તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
