વડોદરા: સંસ્કારી નગરી વડોદરાના નવા મેયર કોણ બનશે તે અંગે ચાલી રહેલી લાંબી અટકળોનો આખરે અંત આવ્યો છે. વડોદરા મહાનગરપાલિકા (VMC) ના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ દ્વારા સત્તાવાર એજન્ડા બહાર પાડીને આગામી ૨૮ મે, ૨૦૨૬ ને ગુરુવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે પાલિકાના “સર સયાજીરાવ સભાગૃહ” ખાતે એક વિશેષ સામાન્ય સભા બોલાવવાની જાહેરાત કરવામાં આવી છે. સામાન્ય ચૂંટણી-૨૦૨૬ માં ચૂંટાયેલા સભાસદોની આ પ્રથમ સામાન્ય સભા હશે, જેમાં શહેરના મુખ્ય પદાધિકારીઓની વરણી પ્રક્રિયા હાથ ધરાશે.
મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિની થશે વરણી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થયાના બરાબર એક મહિના બાદ આખરે વડોદરા શહેરને તેના નવા સુકાનીઓ મળવા જઈ રહ્યા છે. કમિશનરના એજન્ડા મુજબ આ વિશેષ સભામાં મુખ્ય ચાર કામો નિર્ણય માટે રજૂ કરવામાં આવશે:
- ગત સભાના પ્રોસીડિંગને મંજૂરી આપવી.
- GPMC Act ની કલમ ૧૯(૧) મુજબ પ્રથમ અઢી વર્ષની મુદત માટે વડોદરાના મેયરની ચૂંટણી કરવી.
- GPMC Act ની કલમ ૧૯(૧)(કક) મુજબ પ્રથમ અઢી વર્ષ માટે ડેપ્યુટી મેયરની ચૂંટણી કરવી.
- GPMC Act ની કલમ ૨૦(૨) મુજબ પાલિકાની સૌથી મહત્વની ગણાતી સ્થાયી સમિતિ (Standing Committee) ના બાર સભ્યોની નિયુક્તિ કરવી. આ સભા બાદ સ્થાયી સમિતિના ચેરમેન કોણ બનશે તેનું ચિત્ર પણ સ્પષ્ટ થશે.
પ્રથમ અઢી વર્ષ SC માટે અનામત: આ નામો રેસમાં મોખરે
વડોદરા મહાનગરપાલિકામાં પ્રથમ અઢી વર્ષની ટર્મ માટે મેયરનું પદ શિડ્યુલ્ડ કાસ્ટ (SC) કેટેગરીના કોર્પોરેટર માટે અનામત રાખવામાં આવ્યું છે. જેને પગલે ભાજપ શાસિત પાલિકામાં આ પદ મેળવવા માટે ભારે લોબિંગ શરૂ થઈ ચૂક્યું છે. હાલની રાજકીય સ્થિતિ મુજબ મેયર પદની રેસમાં મુખ્ય ત્રણ નામો સૌથી મોખરે ચાલી રહ્યા છે:
- સમીર વાઘેલા
- અજય ડાભી
- ચેતન પરમાર
મોવડી મંડળ દ્વારા કોના નામ પર આખરી મહોર મારવામાં આવે છે તે જોવું રસપ્રદ રહેશે. આ ઉપરાંત, તાજેતરમાં જોવા મળેલી જિલ્લા પંચાયતની રાજકીય પેટર્ન મુજબ, વડોદરા કોર્પોરેશનના મુખ્ય હોદ્દાઓ (ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિના ચેરમેન કે પક્ષના નેતા) માં આ વખતે ત્રણ મહિલા કોર્પોરેટરોને સ્થાન આપીને સંગઠન દ્વારા મોટો આશ્ચર્યજનક નિર્ણય લેવામાં આવી શકે છે તેવી પણ જોરદાર ચર્ચા છે. ૨૮ મેના રોજ યોજાનારી આ હાઈપ્રોફાઈલ સભા તરફ હવે સમગ્ર વડોદરાની જનતાની નજર મંડાયેલી છે.
