દહેજ (ભરૂચ): ભરૂચ જિલ્લાના અતિ મહત્વના ઔદ્યોગિક વિસ્તાર દહેજ GIDC ખાતેથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કંપનીના કામદારોને લાવવા-લઈ જવાનું કામ કરતી એક લક્ઝરી બસના ડ્રાઇવરને જાનથી મારી નાખવાની ધમકી આપી બે ઇસમો બસ લઈને ફરાર થઈ જતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે દહેજ પોલીસ મથકે બે ઈસમો સામે ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
શું હતી સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, મૂળ મધ્યપ્રદેશના રહીશ અને હાલ વાગરા ખાતે રહેતા રવિભાઈ બાબુભાઈ પટેલ ભરૂચના રૂષિકુમાર આહિરની લક્ઝરી બસમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે. રવિકુમાર દહેજ જીઆઈડીસીમાં આવેલી એક કંપનીના કામદારોને મુકવા અને લેવા જવાની કામગીરી કરે છે. ગત તારીખ ૨૧મીના રોજ સાંજના આશરે સાતેક વાગ્યાના સુમારે રવિકુમાર કંપનીના કામદારોને લેવા માટે દહેજ ખાતે પાર્ક કરેલી પોતાની બસ પાસે પહોંચ્યા હતા. તે સમયે લખીગામનો ભાવેશ પ્રભુ આહિર અને દહેજનો જયદેવસિંહ પરાક્રમસિંહ ગોહિલ પોતાની ઈકો ગાડી લઈને ત્યાં આવી પહોંચ્યા હતા.
“સાઈડમાં હટી જજે નહિતર ઉપર બસ ચડાવી દઈશ”
બંને ઈસમો ઈકો ગાડીમાંથી ઉતરીને સીધા લક્ઝરી બસમાં બેસી ગયા હતા અને ભાવેશ આહિરે બસ ચાલુ કરી દીધી હતી. આ જોઈને ડ્રાઇવર રવિભાઈએ તેમને પૂછ્યું હતું કે, “અમારી બસ ચાલુ કરીને ક્યાં લાઈ જાવ છો?”
આ સાંભળીને બંને જણા ઉશ્કેરાઈ ગયા હતા અને ગંદી ગાળો આપવા લાગ્યા હતા. ભાવેશે રવિભાઈને ધમકી આપતા કહ્યું હતું કે, “તું સાઈડમાં હટી જજે, નહિતર તારા પર બસ ચડાવી દઈશ.” આમ કહીને ભાવેશ આહિર બસ ચલાવીને ત્યાંથી ભાગી છૂટ્યો હતો.
ત્યારબાદ જયદેવસિંહ ગોહિલે પણ પોતાની ઈકો ગાડીમાં બેસી ત્યાંથી નીકળતા પહેલા ડ્રાઇવર રવિભાઈને ધમકી આપતા કહ્યું હતું કે, “તું તારા શેઠ સાથે વાત કરી લેજે.”
પોલીસે ગુનો નોંધી તપાસના ચક્ર ગતિમાન કર્યા
આ સમગ્ર ઘટના બાદ લક્ઝરી બસના ચાલક રવિભાઈ પટેલે દહેજ પોલીસ સ્ટેશનમાં પહોંચીને બંને આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે:
૧. ભાવેશ પ્રભુભાઈ આહિર (રહે. લખીગામ, તા. વાગરા)
૨. જયદેવસિંહ પરાક્રમસિંહ ગોહિલ (રહે. દહેજ, તા. વાગરા)
સામે કાયદેસરની કલમો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ઔદ્યોગિક વિસ્તારમાં આ પ્રકારે બસ લઈ જવાની ઘટના પાછળ કોઈ નાણાકીય લેવડદેવડ કે અંગત અદાવત છે કે કેમ તે દિશામાં પણ દહેજ પોલીસ તપાસ ચલાવી રહી છે.
