નાગોયા (જાપાન): જાપાનના નાગોયા શહેરમાં આગામી ૧૯ સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલી એશિયન ગેમ્સ (Asian Games 2026) ના મુહૂર્ત પહેલાં જ કુદરતી આફતે વિઘ્ન ઊભું કર્યું છે. નાગોયામાં વરસેલા રેકોર્ડબ્રેક અને મુસળધાર વરસાદને કારણે સમગ્ર શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. પૂરના પાણી રહેણાંક વિસ્તારો અને રસ્તાઓ પર ફરી વળતાં તાત્કાલિક ધોરણે સેંકડો એશિયન ગેમ્સના એથ્લેટ્સને તેમના હંગામી આશ્રયસ્થાનોમાંથી સલામત સ્થળે ખસેડવાની ફરજ પડી હતી.
સ્થાનિક હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, નાગોયાના કેટલાક વિસ્તારોમાં માત્ર એક જ કલાકમાં આશરે ૧૦૪ મિલીમીટર (૪ ઈંચ) જેટલો અતિભારે વરસાદ ખાબક્યો હતો, જેના પગલે સ્થાનિક પ્રશાસને ઈમરજન્સી એલર્ટ જાહેર કરીને નાગરિકો અને રમતવીરોને સુરક્ષિત સ્થળે ખસી જવા સૂચના આપી હતી. વરસાદના કારણે શહેરના સબવે સ્ટેશનોમાં પાણી ભરાઈ ગયા હતા, ટ્રેન વ્યવહાર ઠપ થઈ ગયો હતો અને મુખ્ય માર્ગો પર કારો તણાતી અને ફસાતી જોવા મળી હતી, જેનાથી ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો.

આ વખતની એશિયન ગેમ્સમાં સ્પર્ધકો માટે કોઈ એક જ સુસજ્જ ‘એથ્લેટ્સ વિલેજ’ બનાવવાને બદલે આયોજકોએ ક્રૂઝ શિપ, લાકડાના ખાસ હંગામી કન્ટેનર ઝૂંપડાં અને સ્થાનિક હોટેલ્સનો ઉપયોગ કર્યો છે. નાગોયા પોર્ટ એરિયાના ‘ગાર્ડન પિયર’ ખાતે લાકડાના કન્ટેનરમાં રોકાયેલા સેંકડો એથ્લેટ્સના રહેઠાણમાં પાણી ઘૂસી જવાની દહેશત હોવાથી તેમને તાત્કાલિક ખસેડવામાં આવ્યા હતા. જોકે, બે કલાક બાદ પૂરના ઓસરતા પાણી અને સ્થિતિ નિયંત્રણમાં આવતાં ઈવેક્યુએશન ઓર્ડર પાછો ખેંચવામાં આવ્યો હતો અને એથ્લેટ્સ પોતાના રૂમમાં પરત ફર્યા હતા.
વરસાદના કારણે કેટલાક સ્ટેડિયમ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની છત પરથી પાણી ટપકવાની ઘટનાઓ પણ સામે આવી છે. જોકે, નાગોયાના મેયર ઈચિરો હિરોસાવા (Ichiro Hirosawa) એ પરિસ્થિતિ અંગે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ છે અને રમતોના આયોજન પર કોઈ મોટો ખતરો નથી. તેમણે આશ્વાસન આપ્યું હતું કે વરસાદથી રમતગમતના સાધનો કે મુખ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કોઈ મોટું નુકસાન થયું નથી, જેથી આયોજિત સમયપત્રક મુજબ જ ગેમ્સ રમાડવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ૧૯ સપ્ટેમ્બરે ભવ્ય ઓપનિંગ સેરેમની સાથે એશિયન ગેમ્સનો પ્રારંભ થશે, પરંતુ બાસ્કેટબોલ સહિતની કેટલીક મેચો વહેલી શરૂ થઈ રહી છે. આ વૈશ્વિક રમત મહોત્સવમાં ૧૭,૦૦૦ થી વધુ એથ્લેટ્સ અને ઓફિશિયલ્સ ભાગ લઈ રહ્યા છે. હવામાન વિભાગે હજુ પણ આગામી દિવસોમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનની ચેતવણી આપી હોવાથી આયોજકો અને જાપાન સરકાર હાઈ એલર્ટ પર છે.
