બેંગકોક: સોશિયલ મીડિયા પર પોતાની આલીશાન લાઈફસ્ટાઈલ અને લક્ઝુરિયસ લાઈફથી લાખો ફોલોઅર્સ મેળવનારા બ્રિટિશ-નાઈજિરિયન બિઝનેસમેન અને મોટો પ્રભાવ ધરાવતા સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર ઈઘો “ટાઈની” ઉબિરીબો (Igho “Tiny” Ubiribo) નું થાઈલેન્ડના બેંગકોકમાં ગુપ્તાંગની સાઈઝ વધારવાના ઈન્જેક્શન (Penile Enlargement Injections) લીધા બાદ કરુણ મોત નીપજ્યું છે. લંડનની ઈનર વેસ્ટ કોરોનર કોર્ટમાં થયેલી સુનાવણીમાં સામે આવ્યું છે કે, થાઈલેન્ડની એક અનામી ક્લિનિકમાં કદ વધારવા માટે લીધેલા ઈન્જેક્શનના કારણે લંગ્સ (ફેફસાં) માં ઈન્જેક્શનના ઘટકો પહોંચી જતાં તેમનું અવસાન થયું હતું. તેમના મૃત્યુ બાદ લંડનમાં અંદાજે ૭.૪૫ લાખ યુએસ ડોલર (રૂ. ૭ કરોડથી વધુ) ની કિંમતના સોનાના તાબૂતમાં (Gold Coffin) તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
મળતી વિગતો અનુસાર, ઈઘો ઉબિરીબો પોતાની પત્ની ડેનિયેલ સિમ્બા એલેન સાથે બેંગકોકની એક લક્ઝરી હોટેલમાં રોકાયા હતા. તેમણે બેંગકોકના એક ક્લિનિકમાં જઈને આ કોસ્મેટિક પ્રોસિજર કરાવી હતી, જેમાં અંદાજે ૪૦ મિલીલીટર હાયલ્યુરોનિક એસિડ અને લિડોકેઈન ઈન્જેક્શન દ્વારા આપવામાં આવ્યા હતા. પ્રોસિજર કરાવ્યા બાદ આ દંપતી હોટેલ નજીક મસાજ માટે ગયું હતું, જ્યાં મસાજ દરમિયાન ઉબિરીબોને છાતીમાં તીવ્ર દુખાવો ઉપડ્યો હતો અને તેઓ બે વાર બેભાન થઈ ગયા હતા. તબીબી ઈમરજન્સી ઊભી થતાં તેમને તાત્કાલિક બેંગકોકની સુખુમવિટ હોસ્પિટલ (Sukhumvit Hospital) માં ખસેડવામાં આવ્યા હતા.

હોસ્પિટલમાં પત્ની દ્વારા પ્રોસિજર અંગે વિગતો આપતાં જ તબીબોએ સીટી સ્કેન (CT Scan) ની સલાહ આપી હતી. જોકે, સારવાર દરમિયાન તેમની સ્થિતિ વધુ વણસી ગઈ હતી અને તેઓ ફરીથી બેભાન થઈ ગયા હતા. તબીબી તપાસમાં જાણવા મળ્યું કે તેમને ‘પલ્મોનરી એમ્બોલિઝમ’ (Pulmonary Embolism) એટલે કે ફેફસાંની લોહીની ધમનીઓમાં અટકાયત થઈ ગઈ હતી. તેમને તાત્કાલિક આઈસીયુ (ICU) માં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ ૧૦૦ મિનિટથી વધુ સમય સુધી સીપીઆર (CPR) આપીને તેમનો જીવ બચાવવાનો ભગીરથ પ્રયાસ કર્યો હતો, પરંતુ આખરે તેમનું નિધન થયું હતું.
આ ઘટના બાદ થાઈલેન્ડ અને લંડન બંને જગ્યાએ કરવામાં આવેલા પરામર્શ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આઘાતજનક વિગતો સામે આવી હતી. લંડનના કોરોનર રિપોર્ટ મુજબ, ઉબિરીબોના ફેફસાંમાંથી મળી આવેલા રસાયણોના સેમ્પલ થાઈલેન્ડમાં આપવામાં આવેલા હાયલ્યુરોનિક એસિડના ઈન્જેક્શન સાથે સંપૂર્ણ રીતે મેચ થયા હતા. એટલે કે ઈન્જેક્શનના ઘટકો રક્તવાહિનીઓ દ્વારા સીધા ફેફસાં સુધી પહોંચી ગયા હતા, જે તેમના મોતનું મુખ્ય કારણ બન્યા હતા. ઉબિરીબો પોતાની પાછળ લોસ એન્જલસમાં ૧.૧ મિલિયન ડોલરનો બંગલો અને લંડનમાં કરોડોનું એપાર્ટમેન્ટ મૂકી ગયા છે. ઇન્સ્ટાગ્રામ પર ૧.૮૫ લાખથી વધુ ફોલોઅર્સ ધરાવતા આ ધનાઢ્ય ઈન્ફ્લુએન્સરના મોતથી સમગ્ર ગ્લેમર જગત અને સોશિયલ મીડિયા વર્લ્ડમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.
