ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના ત્રણ દિવસીય ચોમાસું સત્રના પ્રથમ દિવસે જ એક મોટો રાજકીય વિવાદ સર્જાયો છે. સત્રની શરૂઆતમાં જ નિયમ મુજબ જ્યારે રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’ નું ગાન શરૂ કરવામાં આવ્યું, ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા વિરોધ દર્શાવીને અથવા વચ્ચેથી બેસી જતાં સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા આકરો વિરોધ નોંધાવવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે વિધાનસભા પરિસરમાં ભારે હોબાળો મચી ગયો છે અને શાસક પક્ષે આ મુદ્દે કોંગ્રેસ પાસે જાહેર માફીની માંગ કરી છે.
રાજ્ય સરકાર વતી ગૃહ રાજ્યમંત્રી પ્રવીણ માળીએ આ ઘટનાને અત્યંત ગંભીર ગણાવતાં જણાવ્યું હતું કે, વિધાનસભાની વર્ષો જૂની પરંપરા મુજબ સત્રની શરૂઆત વંદે માતરમના ગાન સાથે થાય છે. આ રાષ્ટ્રીય ગીતના સન્માનમાં તમામ સભ્યો ઊભા રહેતા હોય છે, પરંતુ કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા વંદે માતરમ ચાલુ થયા બાદ થોડી જ વારમાં બેસી ગયા હતા, જે રાષ્ટ્રીય ગીત, ભારત માતા અને દેશની લોકશાહી પ્રણાલીનું સીધું અપમાન છે. તેમણે વધુમાં પ્રશ્ન ઉઠાવ્યો હતો કે આ ખેડાવાલાનો અંગત નિર્ણય છે કે કોંગ્રેસ પક્ષનું સત્તાવાર વલણ? સરકારે આ બાબતે કોંગ્રેસ પક્ષ પાસેથી સ્પષ્ટતા માંગી છે અને દેશની જનતાની માફી માગવાની માંગ કરી છે.
મંત્રી પ્રવીણ માળીએ વધુમાં ઉમેર્યું હતું કે પ્રશ્નોત્તરી કાળ એ પ્રજાના પ્રશ્નો રજૂ કરવાનો મહત્વનો સમય હોવાથી તે સમયે પોઇન્ટ ઓફ ઓર્ડર ઉઠાવવામાં આવ્યો ન હતો, પરંતુ આ સમગ્ર મામલે એક પ્રતિનિધિમંડળ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને મળીને લેખિત રજૂઆત કરશે અને યોગ્ય કાર્યવાહી કરવાની વિનંતી કરશે. ભારતીય જનતા પાર્ટીએ આ મુદ્દે આકરું વલણ અપનાવતાં સ્પષ્ટ કર્યું છે કે ભારત માતા અને રાષ્ટ્રીય ગીતનું અનાદર સાંખી લેવામાં આવશે નહીં.

બીજી તરફ, આ સમગ્ર વિવાદ અંગે સ્પષ્ટતા આપતાં કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ જણાવ્યું હતું કે, “હું વંદે માતરમના ગાન સમયે પૂરા માનપૂર્વક ઊભો થયો હતો. જેટલી કડીઓ ગાવામાં આવી તે દરમિયાન હું ઊભો રહ્યો હતો અને ત્યારબાદ જ હું બેઠો હતો.” પોતાના આ વલણ અંગે વધુ ખુલાસો આપતાં તેમણે ઉમેર્યું હતું કે આ તેમનો અંગત મંતવ્ય અને ઈસ્લામિક આસ્થાનો વિષય છે, કારણ કે તેમના ધર્મમાં માત્ર એક ઈશ્વર (ખુદા) ની જ ઈબાદત કરવાનો આદેશ છે. જોકે, આ મુદ્દે વિધાનસભામાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે.
