ગાંધીનગર: ગુજરાત સરકાર રાજ્યની દીકરીઓના સ્વાસ્થ્ય અને ઉજ્જવળ ભવિષ્ય માટે નિષ્ઠાપૂર્વક કામ કરી રહી છે. સ્ત્રીઓમાં ગંભીર ગણાતા ગર્ભાશયના મુખના કેન્સર એટલે કે સર્વાઇકલ કેન્સર સામે કિશોરીઓને સુરક્ષિત કરવાના ભગીરથ કાર્યમાં ગુજરાતે અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી છે. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જાહેરાત કરી હતી કે, રાજ્યભરમાં ૪ સપ્ટેમ્બર ૨૦૨૬ સુધીમાં ૬ લાખથી પણ વધુ ૧૪ વર્ષની દીકરીઓને હ્યુમન પેપિલોમાવાયરસ (HPV) ની રસી આપીને કેન્સર સામેનું મજબૂત સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવ્યું છે, જે સિદ્ધિ સાથે ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને પહોંચ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાષ્ટ્રવ્યાપી સંકલ્પ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સબળ નેતૃત્વ હેઠળ ચાલી રહેલા આ અભિયાનમાં ગુજરાતની ઝડપી અને ગુણવત્તાસભર કામગીરીની કેન્દ્ર સરકારે પણ પ્રશંસા કરી છે. રાજ્ય સરકારની આ ઉત્કૃષ્ટ સક્રિયતાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને વધારાના ૨,૭૨,૦૦૦ (૨.૭૨ લાખ) HPV રસીના ડોઝ ફાળવવામાં આવ્યા છે. આ વધારાના જથ્થાની મદદથી આગામી ૩૧ ડિસેમ્બર ૨૦૨૬ સુધી દર મહિને ૧૪ વર્ષ પૂર્ણ કરતી તમામ કિશોરીઓને વ્યાપક ધોરણે વિનામૂલ્યે રસી આપવાનું આયોજન સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.

આ રસીકરણ ઝુંબેશ વિશે વધુ વિગતો આપતાં આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, આ સેવા રાજ્યની મેડિકલ કોલેજ હોસ્પિટલો, જિલ્લા અને પેટા-જિલ્લા હોસ્પિટલો તેમજ સામુહિક આરોગ્ય કેન્દ્રો (CHC) અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC) પર સંપૂર્ણપણે નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં ૬ લાખથી વધુ કિશોરીઓને રસી આપવામાં આવી હોવા છતાં આડઅસર (Side Effects) નો એક પણ ગંભીર કિસ્સો સામે આવ્યો નથી, જે આ રસીની શ્રેષ્ઠ ગુણવત્તા, સલામતી અને અસરકારકતાનો સ્પષ્ટ પુરાવો આપે છે.
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ રાજ્યના તમામ વાલીઓને અપીલ કરી હતી કે ગર્ભાશયના કેન્સર જેવા અસાધ્ય રોગથી દીકરીઓને બચાવવા માટે રસીકરણ અત્યંત જરૂરી છે. તેમણે તમામ વાલીઓને વિનંતી કરી હતી કે તેઓ કોઈપણ જાતના વિલંબ કે અફવાઓ પર ધ્યાન આપ્યા વગર પોતાની ૧૪ વર્ષની દીકરીઓને નજીકના સરકારી આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જઈને સમયસર આ રસી અપાવે અને દીકરીઓને નિરોગી અને સુરક્ષિત ભવિષ્યની ભેટ આપે.
