સુરત: રાજ્યમાં લાંબા સમયના વિરામ બાદ આખરે મેઘરાજાએ મહેર કરી છે. શનિવારે દિવસ દરમિયાન દક્ષિણ અને મધ્ય ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ઝાપટાંથી લઈને ભારે વરસાદ નોંધાતાં ખેડૂતો અને સામાન્ય નાગરિકોમાં આનંદની લહેર ફરી વળી છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ના સત્તાવાર આંકડાઓ અનુસાર, સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં સમગ્ર રાજ્યનો સૌથી વધુ ૧૩૨ મિલીમીટર (૫.૨ ઈંચ) વરસાદ ખાબક્યો હતો. ઉમરપાડામાં માત્ર સાંજે ૬ થી રાત્રે ૧૦ વાગ્યા સુધીના ૪ કલાકમાં જ અંદાજે ૪.૮ ઈંચ જેટલો મુસળધાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.
ઉમરપાડા બાદ તાપી જિલ્લાના ઉકાઈ વિસ્તારમાં ૧૨૮ મિલીમીટર (૫.૦૪ ઈંચ) વરસાદ નોંધાયો હતો, જ્યારે ડાંગના સુબિરમાં ૭૩ મિલીમીટર (૨.૮૭ ઈંચ) વરસાદ પડ્યો હતો. ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં ૭૧ મિલીમીટર અને ભરૂચ તાલુકામાં ૬૯ મિલીમીટર વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત, ખેડાના નડિયાદમાં ૫૯ મિલીમીટર, નર્મદાના તિલકવાડામાં ૫૬ મિલીમીટર, આણંદમાં ૫૪ મિલીમીટર, તાપીના સોનગઢમાં ૫૩ મિલીમીટર, ભરૂચના ઝઘડિયામાં ૫૨ મિલીમીટર, પંચમહાલના મોરવા હડફમાં ૫૨ મિલીમીટર તેમજ નર્મદાના નાંદોદ, સુરત શહેર, માંગરોળ અને ડાંગ જિલ્લામાં અંદાજે ૨ ઈંચ (૪૯ થી ૫૦ મિલીમીટર) જેટલો વરસાદ વરસ્યો છે.
દક્ષિણ ગુજરાતના અન્ય તાલુકાઓમાં પણ સારો એવો વરસાદ નોંધાયો હતો. ભરૂચના હંસોટ અને વાલિયામાં ૪૮ મિલીમીટર, નર્મદાના સાગબારામાં ૪૬ મિલીમીટર, છોટાઉદેપુરના સંખેડા અને કડવાલમાં ૪૩ મિલીમીટર અને તાપીના ઉચ્છલમાં ૪૨ મિલીમીટર વરસાદ વરસ્યો હતો. સુરત જિલ્લાના ઓલપાડમાં ૩૦ મિલીમીટર, બારડોલીમાં ૩૮ મિલીમીટર, કામરેજમાં ૩૨ મિલીમીટર, પલસાણામાં ૨૭ મિલીમીટર અને ચોર્યાસીમાં ૨૪ મિલીમીટર વરસાદ નોંધાયો હતો. વડોદરા જિલ્લામાં શિનોરમાં ૨૭ મિલીમીટર, ડભોઈમાં ૨૫ મિલીમીટર, વાઘોડિયામાં ૨૪ મિલીમીટર અને વડોદરા શહેરમાં ૨૧ મિલીમીટર જેટલો હળવોથી મધ્યમ વરસાદ થયો હતો. અમદાવાદ જિલ્લામાં ધોળકામાં ૧૩ મિલીમીટર અને અમદાવાદ શહેરમાં ૧૨ મિલીમીટર વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરવામાં આવેલી તાજી આગાહી મુજબ, રવિવાર દરમિયાન દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા અને નગરહવેલીમાં ભારેથી અતિભારે અને કેટલાક સ્થળોએ અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત ભરૂચ, સુરત, તાપી, ડાંગ અને સૌરાષ્ટ્રના અમરેલી તથા ભાવનગર જિલ્લામાં પણ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. તંત્રે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને નદી-નાળાની નજીક ન જવાની અપીલ કરી છે.
