વડોદરા: ગુજરાતની સંસ્કારી નગરી વડોદરા ખાતે વિકાસ અને વિશ્વાસનો એક નવો ઐતિહાસિક અધ્યાય લખાયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વડોદરાના મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU) ના વિશાળ મેદાન ખાતેથી સમગ્ર રાજ્ય અને દેશ માટે ₹૩૫,૦૦૦ કરોડથી વધુના વિભિન્ન વિકાસ કાર્યોનું શિલાન્યાસ, લોકાર્પણ અને રાષ્ટ્રને સમર્પણ કર્યું હતું. આ પ્રસંગે વડોદરાવાસીઓ દ્વારા “સેવા અને સ્વચ્છતા” ના વિશેષ અભિમાન સાથે વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
હવે માલસામાનની હેરફેર ઝડપી બનશે : PM મોદી
વડોદરાની ઐતિહાસિક ધરતી પરથી દેશવાસીઓને સંબોધિત કરતાં પ્રધાનમંત્રીએ ૨૮૦૦ કિલોમીટર લાંબા ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર (DFC) ના સફળતાપૂર્વક પૂર્ણ થવાની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ૨૧મી સદીના આધુનિક ભારત માટે આ એક અત્યંત મહત્વપૂર્ણ સિદ્ધિ છે. માલગાડીઓ અને મુસાફર ટ્રેનો માટે અલગ ટ્રેક બનાવવાથી હવે માલસામાનની હેરફેર ઝડપી બનશે. જે મુસાફરીમાં પહેલા ૩૦ કલાક જેટલો સમય લાગતો હતો, તે હવે ઘટીને માત્ર ૧૦ થી ૧૨ કલાક થઈ ગયો છે. આ ટ્રાન્સપોર્ટેશન ક્રાંતિથી દેશના ખેડૂતો અને ઉદ્યોગકારોને સીધો આર્થિક ફાયદો થશે, કારણ કે શાકભાજી, ફળો અને અન્ય ઉત્પાદનો ખૂબ જ ઝડપથી મોટા બજારો સુધી પહોંચી શકશે.
પ્રધાનમંત્રીએ વડોદરાના ઔદ્યોગિક વારસાની સરાહના કરતાં ઉમેર્યું કે, વડોદરા હવે માત્ર એક શૈક્ષણિક કે સાંસ્કૃતિક કેન્દ્ર નથી રહ્યું પરંતુ ‘ગતિ શક્તિ યુનિવર્સિટી’ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે વૈશ્વિક ઓળખ બનાવી રહ્યું છે. દેશનું પ્રથમ સ્થાનિક રીતે ઉત્પાદિત સૈન્ય પરિવહન વિમાન C-295 પણ વડોદરાની ધરતી પરથી જ આકાશમાં ઉડાન ભરી ચૂક્યું છે. ભારત હવે ચિપ્સથી લઈને શિપ્સ સુધીના ક્ષેત્રોમાં સ્વદેશી ઉત્પાદનની નવી ગાથા લખી રહ્યું છે. યુવાનોના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે સરકાર AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ), સોલર એનર્જી અને કૌશલ્ય વિકાસ પર ભાર મૂકી રહી છે, જેના ભાગરૂપે ગરીબ અને મધ્યમ વર્ગના યુવાનો માટે મફત કોચિંગ યોજનાઓ અને આધુનિક શૈક્ષણિક સવલતો ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.

દેશની પ્રથમ બુલેટ ટ્રેન આવતા વર્ષે મે-જૂન સુધીમાં ટેસ્ટિંગ માટે ટ્રેક પર આવી જશે
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનરી નેતૃત્વમાં ડબલ એન્જિન સરકારના કારણે એવા મહાકાય પ્રોજેક્ટ્સ ઝડપથી સાકાર થઈ રહ્યા છે જે ભૂતકાળમાં અશક્ય લાગતા હતા. ₹૩૫,૦૦૦ કરોડના આ પ્રોજેક્ટ્સથી ગુજરાત ટ્રાન્સપોર્ટેશન, આવાસ, પાણી પુરવઠા અને શહેરી વિકાસના ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરશે. તે જ સમયે કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે રેલવેના આધુનિકીકરણની વિગતો આપતાં એક મોટી જાહેરાત કરી હતી કે, ‘આત્મનિર્ભર ભારત’ના સંકલ્પ હેઠળ બની રહેલી દેશની પ્રથમ બુલેટ ટ્રેન આવતા વર્ષે મે-જૂન સુધીમાં ટેસ્ટિંગ માટે ટ્રેક પર આવી જશે અને ટૂંક સમયમાં જ પ્રધાનમંત્રીના હસ્તે તેનું લોકાર્પણ કરવામાં આવશે.
