ગાંધીનગર: કુદરતી આપત્તિઓ, અકસ્માતો કે કટોકટીના સમયમાં તાત્કાલિક જીવનરક્ષક સારવાર પૂરી પાડવા માટે ગુજરાત સરકારે આપત્તિ વ્યવસ્થાપન ક્ષેત્રે એક ઐતિહાસિક પગલું ભર્યું છે. ગુજરાત વિધાનસભા સંકુલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિશ્વની અદ્યતન પોર્ટેબલ મોબાઈલ ઇમરજન્સી મેડિકલ હોસ્પિટલ ‘BHISHM Cube-R300’ (ભીષ્મ ક્યુબ) ના વિશિષ્ટ નિદર્શનનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ભારત સરકારના રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સેક્રેટરીએટ (NSCS) ના માર્ગદર્શન હેઠળ ‘આરોગ્ય મૈત્રી’ પહેલ અંતર્ગત આ તબીબી ક્રાંતિ સમાન હોસ્પિટલ વિકસાવવામાં આવી છે.
આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા સહિત મંત્રીમંડળના સભ્યો, ધારાસભ્યો અને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, આ બે દિવસીય પ્રદર્શનનો મુખ્ય હેતુ રાજ્યમાં આપત્તિના સમયે ટેલિમેડિસિન, ડિજિટલ હેલ્થ અને ક્ષણભરમાં તૈયાર થઈ જતી ઈમરજન્સી ટ્રોમા કેર સિસ્ટમ અંગે તમામ સભ્યો અને નાગરિકોને વાકેફ કરવાનો છે.

BHISHM Cube-R300 ની આશ્ચર્યજનક વિગતો આપતાં તેમણે ઉમેર્યું કે, આ એક એવી પોર્ટેબલ હોસ્પિટલ છે જે માત્ર ૧૨ મિનિટથી પણ ઓછા સમયમાં ઘટનાસ્થળે સ્થાપિત કરીને એકસાથે ૩૦૦ જેટલા ઈજાગ્રસ્તોને ઈમરજન્સી સારવાર આપવાની ક્ષમતા ધરાવે છે. સમગ્ર સિસ્ટમ ૭૨ મોડ્યુલર મિની-ક્યુબ્સમાં પેક કરવામાં આવે છે, જેમાં પ્રત્યેક ક્યુબનું વજન ૨૦ કિલોગ્રામથી પણ ઓછું હોય છે. આ સિસ્ટમ જમીન, હવાઈ કે દરિયાઈ માર્ગે સરળતાથી લઈ જઈ શકાય છે અને દુર્ગમ વિસ્તારોમાં પેરાશૂટ વડે એરડ્રોપ પણ કરી શકાય છે.

આ આધુનિક હોસ્પિટલમાં વેન્ટિલેટર, મલ્ટી-પેરામીટર મોનિટર, મિની-લેબ અને સર્જિકલ સાધનો સહિત આશરે ૪૦૦ જેટલી તબીબી સામગ્રી ઉપલબ્ધ હોય છે. આ સિસ્ટમમાં પોતાનું વીજ ઉત્પાદન અને ઓક્સિજન જનરેટર હોવાથી તે પૂર્ણપણે આત્મનિર્ભર છે અને ઘટનાસ્થળે જ ‘ડેમેજ કંટ્રોલ સર્જરી’ કરવાની સુવિધા પૂરી પાડે છે. ભારતે યુક્રેન, માલદીવ્સ, શ્રીલંકા અને જમૈકા જેવા દેશોમાં માનવતાવાદી સહાયરૂપે આ ક્યુબ મોકલ્યા છે. ગુજરાતનો વિશાળ દરિયાકાંઠો તેમજ વાવાઝોડું, પૂર કે ભૂકંપ જેવી આપત્તિઓની સંવેદનશીલતાને જોતાં BHISHM Cube ની તૈનાતી રાજ્યના નાગરિકોના સુરક્ષા કવચને વધુ મજબૂત બનાવશે.
