ગાંધીનગર: અમદાવાદ શહેરની પ્રખ્યાત શાળાઓ, ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ અને ગુજરાત વિધાનસભા સંકુલને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈ-મેઈલ મળતાં સમગ્ર રાજ્યના પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે. ઈ-મેઈલમાં “ગુજરાત બોલેગા ખાલિસ્તાન જિંદાબાદ” લખીને દહેશત ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ધમકીની જાણ થતાં જ વાલીઓ, વિદ્યાર્થીઓ, વકીલો અને સરકારી તંત્રમાં ભારે દોડધામ અને ફફડાટ વ્યાપી ગયો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસ કાફલો, બોમ્બ ડિસ્પોઝલ એન્ડ ડિટેક્શન સ્ક્વોડ (BDDS), ફાયર બ્રિગેડ અને ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી.
મળતી વિગતો અનુસાર, અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આવેલી ઝાયડસ સ્કૂલ (Zydus School), બોપલની ડીપીએસ (DPS Bopal) અને થલતેજ વિસ્તારની ઉદગમ સ્કૂલ (Udgam School) ના અધિકૃત ઈ-મેઈલ આઈડી પર બોમ્બ હોવાનો ધમકીભર્યો મેસેજ મળ્યો હતો. મેઈલ વાંચતા જ શાળા સંચાલકોએ તુરંત જ પોલીસને જાણ કરી હતી અને સુરક્ષાના ભાગરૂપે તમામ બાળકોને તાત્કાલિક ધોરણે ઘરે લઈ જવા માટે વાલીઓને સૂચના આપી દીધી હતી. અચાનક શાળાઓ ખાલી કરાવવામાં આવતાં વાલીઓમાં ચિંતા અને ભયનો માહોલ જોવા મળ્યો હતો. BDDS ની ટીમો દ્વારા સ્નિફર ડોગ્સ સાથે ત્રણેય શાળાઓના પરિસરમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
બીજી તરફ, ગાંધીનગર સ્થિત ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના ઈ-મેઈલ પર પણ આ જ પ્રકારની ગંભીર ધમકી મળતાં કોર્ટ સંકુલમાં હાજર ન્યાયાધીશો, વકીલો, અસીલો અને કર્મચારીઓમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. સુરક્ષાના પગલે તાત્કાલિક આખું કોર્ટ પરિસર ખાલી કરાવી દેવામાં આવ્યું હતું. આ ઉપરાંત, ગાંધીનગર વિધાનસભા ખાતે પણ સવારે આશરે ૮ વાગ્યાની આસપાસ ધમકીભર્યો મેઈલ મળ્યો હતો. જોકે, સત્ર શરૂ થવાના નિયમિત સવારે ૯ વાગ્યા પહેલાં જ પોલીસ દ્વારા સમગ્ર વિધાનસભા પરિસરનું સઘન ચેકિંગ પૂર્ણ કરી લેવામાં આવ્યું હતું, જેમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નહોતી અને વિધાનસભાનું ચોમાસું સત્ર રાબેતા મુજબ શરૂ થઈ શક્યું હતું.
આ સમગ્ર મામલે ગાંધીનગરના એસપી (SP) રવિ તેજાએ મીડિયાને માહિતી આપતાં જણાવ્યું હતું કે, ગાંધીનગર પોલીસ દ્વારા આ મામલે ગુનો દાખલ કરીને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં આ ધમકીભર્યો ઈ-મેઈલ દેશ બહારથી (વિદેશથી) મોકલવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આશરે ૬ મહિના પહેલાં મળેલી ધમકીની પેટર્ન મુજબ જ આ મેઈલ કરવામાં આવ્યો છે. વિદેશી સર્વરનો ઉપયોગ કરીને આ પ્રકારની અફવાઓ અને દહેશત ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. હાલમાં તમામ સંબંધિત સ્થળોએ સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવામાં આવી છે અને સાયબર ક્રાઈમ ક્ષેત્રે ઊંડી તપાસ ચાલુ છે.
