ગાંધીનગર: ગુજરાત ભારતીય જનતા પાર્ટી (BJP) સંગઠનમાં મોટા ફેરફારો કરતા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા મહત્વપૂર્ણ સંગઠનાત્મક નિમણૂકોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. પક્ષના પ્રદેશ કારોબારી સભ્યોને અન્ય સંગઠનાત્મક જવાબદારીઓ સોંપાતાં ખાલી પડેલી જગ્યાઓ ભરવા તેમજ વિવિધ જિલ્લાઓ અને ઝોન સ્તરે કામગીરીને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી આ નિર્ણયો લેવાયા છે. પ્રદેશ મહામંત્રી અને મુખ્ય મથક પ્રભારી ડૉ. પ્રશાંત કોરાટની સહીથી જારી કરાયેલા આ સત્તાવાર આદેશોનો તાત્કાલિક અસરથી અમલ શરૂ થઈ ગયો છે.
૬ જિલ્લા અને મહાનગરો માટે નવા ભાજપ પ્રભારીઓની નિમણૂક
પક્ષ દ્વારા જારી કરાયેલી યાદી અનુસાર, રાજ્યના ૬ મહત્વપૂર્ણ જિલ્લા અને મહાનગરો માટે નવા ભાજપ પ્રભારીઓની નિમણૂક કરવામાં આવી છે. જેમાં આણંદ જિલ્લાના પ્રભારી તરીકે વડોદરા શહેરના રાજેન્દ્રભાઈ ત્રિવેદી, નર્મદાના પ્રભારી તરીકે છોટાઉદેપુરના ડૉ. મુકેશભાઈ રાઠવા, દાહોદના પ્રભારી તરીકે બનાસકાંઠાના શશિકાંતભાઈ પંડ્યા, ગીર સોમનાથના પ્રભારી તરીકે અમરેલીના શરદભાઈ લાખાણી, મહીસાગરના પ્રભારી તરીકે કર્ણાવતીના વિશાલભાઈ ભરવાડ અને ડાંગના પ્રભારી તરીકે વલસાડના શિલ્પેશભાઈ દેસાઈની વર્ણી કરાઈ છે. આ નિમણૂકોથી સ્થાનિક સ્તરે પક્ષની કામગીરી અને ચૂંટણીલક્ષી વ્યૂહરચનાને વધુ ગતિ મળશે.
આ ઉપરાંત, સંગઠનની પ્રદેશ કારોબારીમાં પણ ૧૧ અનુભવી નેતાઓની સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે. જેમાં રાજેન્દ્રભાઈ ત્રિવેદી (વડોદરા શહેર), ડૉ. મુકેશભાઈ રાઠવા (છોટાઉદેપુર), શરદભાઈ લાખાણી (અમરેલી), કિશોરભાઈ ગાવિત (ડાંગ), મનીષભાઈ પટેલ (કર્ણાવતી), અરુણાબેન ચૌધરી (ગાંધીનગર જિલ્લો), શિલ્પેશભાઈ દેસાઈ (વલસાડ), વિશાલભાઈ ભરવાડ (કર્ણાવતી), નંદિતાબેન ઠાકુર (ખેડા), ડૉ. જાનકીબેન આચાર્ય (કર્ણાવતી) અને કનુભાઈ અરવિંદભાઈ પટેલ (મહેસાણા) નો સમાવેશ થાય છે.
સેલ સંકુલ યોજના અને સંગઠનાત્મક સુચારૂ સંચાલન માટે રાજ્યના ચાર મુખ્ય ઝોનમાં સહ-પ્રભારીઓની પણ જાહેરાત કરવામાં આવી છે. દક્ષિણ ઝોનમાં સુરત શહેરના રાજેશભાઈ દેસાઈ, મધ્ય ઝોનમાં કર્ણાવતીના રાજુભાઈ પટેલ (માસ્તર), ઉત્તર ઝોનમાં અમદાવાદ જિલ્લાના હાર્દિકસિંહ ડોડિયા અને સૌરાષ્ટ્ર ઝોનમાં કર્ણાવતીના ડૉ. જાનકીબેન આચાર્યને સહ-પ્રભારી તરીકેની જવાબદારી સોંપાઈ છે. આ નવી સંગઠનાત્મક રચનાથી આગામી સમયમાં પક્ષના પાયાના કાર્યકરોને નવું બળ મળશે અને તમામ ક્ષેત્રોમાં સંગઠન વધુ મજબૂત બનશે.