ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અગ્રણી નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે રાજ્યના નાગરિકોને પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે વધુ જાગૃત અને સક્રિય બનાવવા માટે એક નવીન અને ડિજિટલ પહેલ હાથ ધરી છે. વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ (DST) હેઠળ કાર્યરત ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ (GIL) દ્વારા ખાસ તૈયાર કરવામાં આવેલી ‘AI ગ્રીન સિટિઝન સ્કોર’ મોબાઇલ એપનું રાજ્યવ્યાપી લોન્ચિંગ કરવામાં આવ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજિટલ ટેક્નોલોજીના માધ્યમથી ટકાઉ જીવનશૈલી (Sustainable Lifestyle) પ્રોત્સાહિત કરવાના વિઝનને સાકાર કરતી આ એપ એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ગ્રીન એક્શન ટ્રેકિંગ સિસ્ટમ છે, જે નાગરિકોની દૈનિક પર્યાવરણલક્ષી કામગીરીને ડિજિટલ સ્કોરમાં રૂપાંતરિત કરશે. વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુન મોઢવાડિયાએ આ પહેલ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, આ પ્લેટફોર્મ મારફતે રાજ્યના નાગરિકો વૃક્ષારોપણ, કચરાનું યોગ્ય વિભાજન, રિસાયક્લિંગ, પ્લાસ્ટિક એકત્રિત કરવું, જળ સંરક્ષણ, પગપાળા ચાલવું, સાયકલ ચલાવવી, જાહેર પરિવહનનો ઉપયોગ તેમજ કારપૂલિંગ જેવી વિવિધ પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકશે. નાગરિકો દ્વારા કરવામાં આવેલી આ પ્રવૃત્તિઓના બદલામાં તેમને ‘ગ્રીન પોઈન્ટ્સ’ આપવામાં આવશે, જેના આધારે તેમનો ઓવરઓલ ગ્રીન સ્કોર નક્કી થશે. આ પ્લેટફોર્મમાં આધુનિક AI સિસ્ટમનો ઉપયોગ કરાયો છે, જે યુઝર્સે અપલોડ કરેલા ફોટોગ્રાફ્સ અને લોકેશન ડેટાના આધારે પ્રવૃત્તિઓની ચોક્કસ ચકાસણી (Verification) કરશે. આ ઉપરાંત એપમાં રહેલો ‘AI ગ્રીન આસિસ્ટન્ટ’ નાગરિકોને વિવિધ ગ્રીન અભિયાનો અને પોઈન્ટ્સ મેળવવાની રીતો અંગે માર્ગદર્શન આપશે.

વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના સચિવ પી. ભારતી (IAS)ના જણાવ્યા મુજબ, આ એપ્લિકેશન નાગરિકો માટે એક રીતે ડિજિટલ ‘ગ્રીન ડાયરી’ તરીકે કામ કરશે. જેનો મુખ્ય ઉદ્દેશ પર્યાવરણ રક્ષણની પ્રક્રિયાને સરળ, માપી શકાય તેવી અને રસપ્રદ બનાવવાનો છે. આ એપમાં વપરાશકર્તા પોતાની દૈનિક પ્રવૃત્તિઓ સબમિટ કરી શકે છે, ચકાસણી બાદ મળેલા પોઈન્ટ્સ પ્રોફાઇલમાં ઉમેરાશે અને લીડરબોર્ડ (Leaderboard) પર તેઓ પોતાનું સ્થાન જોઈ શકશે. આનાથી નાગરિકો વચ્ચે સ્વસ્થ સ્પર્ધાત્મક વાતાવરણ ઊભું થશે અને વધુ ને વધુ લોકો પર્યાવરણ પ્રત્યે પોતાની જવાબદારી સમજશે.
હાલમાં આ એપ્લિકેશન Google Play Store અને Apple App Store પર ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ બનાવી દેવામાં આવી છે. રાજ્ય સરકારે તમામ નાગરિકોને, ખાસ કરીને યુવાવર્ગને આ એપ ડાઉનલોડ કરી પોતાની દૈનિક દિનચર્યામાં પર્યાવરણલક્ષી ટેવો અપનાવીને ‘હરિયાળા ગુજરાત’ના નિર્માણમાં ભાગીદાર બનવા ભાવભરી અપીલ કરી છે.
