અમદાવાદ: ગુજરાતમાં ૧૮ થી ૧૯ વર્ષની વયના પ્રથમ વખતના યુવા મતદારો અને અત્યાર સુધી મતદાર યાદીમાં નામ નોંધાવવાથી વંચિત રહી ગયેલા પાત્ર નાગરિકો માટે એક ખુશખબર સામે આવ્યા છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીઓની સતત સુધારણા (Continuous Updation) પ્રક્રિયાના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં આગામી ચાર રવિવારે ખાસ મતદાર નોંધણી ઝુંબેશનું આયોજન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) સંદીપ સાગલેના નિર્દેશાનુસાર, આ વિશેષ ઝુંબેશ ઓક્ટોબર ૧૧, ૧૮, ૨૫ અને નવેમ્બર ૧ એમ ચાર રવિવારના રોજ રાજ્યના તમામ મતદાન મથકો પર હાથ ધરવામાં આવશે, જેથી વધુને વધુ નાગરિકો પોતાના મતાધિકાર નોંધણીનો લાભ લઈ શકે.
આ ઝુંબેશ અંતર્ગત નિયત કરાયેલા ચારેય રવિવારે સવારે ૧૦:૦૦ વાગ્યાથી સાંજે ૫:૦૦ વાગ્યા સુધી તમામ મતદાન મથકો પર ડિઝિગ્નેટેડ ઓફિસર અને બૂથ લેવલ ઓફિસર (BLO) રૂબરૂ હાજર રહેશે. ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ જ્યાં ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ (SIR) ની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે તેવા રાજ્યોમાં આ નોન-એસઆઈઆર સમયગાળા દરમિયાન પાત્રતા ધરાવતા નાગરિકો ‘રજિસ્ટ્રેશન ઓફ ઇલેક્ટર્સ રૂલ્સ, ૧૯૬૦’ હેઠળ ‘ફોર્મ ૬’ ભરીને મતદાર યાદીમાં પોતાનું નામ ઉમેરી શકે છે. આ કામગીરીને સુચારુ બનાવવા રાજ્યના તમામ જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારીઓને ખાસ વ્યવસ્થા અને વ્યાપક મતદાર જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવાની સૂચના આપવામાં આવી છે.
યુવા મતદારોની ભાગીદારી વધારવા માટે પંચ દ્વારા ખાસ ‘સ્વીપ’ (SVEEP) પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે ઇલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઓફિસર (ERO) અને આસિસ્ટન્ટ ઇલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઓફિસર (AERO) દ્વારા વિવિધ કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓમાં યુવાનોને મતદાનનું મહત્વ સમજાવીને નોંધણી માટે પ્રોત્સાહિત કરાશે. આ ઉપરાંત સ્થાનિક વર્તમાનપત્રો અને બેનરો મારફતે પણ વ્યાપક પ્રચાર-પ્રસાર કરવામાં આવશે, જેથી દરેક નાગરિક આ ઝુંબેશ અંગે માહિતગાર થઈ શકે.
ઝુંબેશના દિવસોમાં નાગરિકો તરફથી મળતા વાંધા-અરજીઓ અને દાવાઓનો ઝડપી નિકાલ થાય તે માટે સમગ્ર પ્રક્રિયાનું ઉચ્ચ સ્તરેથી સુપરવિઝન કરવામાં આવશે. જિલ્લા ચૂંટણી અધિકારીઓ, ઈઆરઓ અને એઆઈઆરઓ દ્વારા વિવિધ મતદાન મથકોની આકસ્મિક મુલાકાત (Random Inspection) લઈને કામગીરીનું નિરીક્ષણ કરાશે. ચૂંટણી વિભાગ દ્વારા રાજ્યના તમામ લાયક નાગરિકો અને ખાસ કરીને નવા ૧૮ વર્ષ પૂર્ણ કરનાર યુવાનોને આ ચાર રવિવારની સુવિધાનો મહત્તમ લાભ લઈ પોતાનું નામ મતદાર યાદીમાં નોંધાવવા અપીલ કરવામાં આવી છે.
