સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ડ્રગ્સની હેરાફેરીના એક મોટા પ્રયાસને નિષ્ફળ બનાવવામાં આવ્યો છે. એક મુસાફર પાસેથી આશરે ₹1.40 કરોડથી વધુ કિંમતનો હાઇબ્રિડ ગાંજો જપ્ત કરીને તેની ધરપકડ કરવામાં આવી છે. આ કાર્યવાહી સુરત ક્રાઇમ બ્રાન્ચ, CISF (કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ) અને કસ્ટમ વિભાગે સંયુક્ત રીતે હાથ ધરી હતી.
બેંગકોકથી સુરત: ડ્રગ્સની દાણચોરીનો પર્દાફાશ
પ્રાપ્ત માહિતી અનુસાર, પકડાયેલો મુસાફર એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટમાં બેંગકોક (થાઈલેન્ડ)થી સુરત એરપોર્ટ પર આવ્યો હતો. મુસાફરના સામાનની તપાસ દરમિયાન શંકાસ્પદ વસ્તુઓ મળી આવી હતી. સઘન તપાસના અંતે, આરોપી પાસેથી કુલ ૪ કિલો વજનનાં ૮ પેકેટ મળી આવ્યા હતા, જેમાં હાઇબ્રિડ ગાંજો છુપાવવામાં આવ્યો હતો. આ જપ્ત કરાયેલા ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજિત કિંમત ₹૧ કરોડ ૪૦ લાખથી વધુ આંકવામાં આવી છે.
તપાસનો ધમધમાટ શરૂ
સુરત ક્રાઇમ બ્રાન્ચે આ મામલે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે, આ હાઇબ્રિડ ગાંજો કેટલા સમયથી લાવવામાં આવતો હતો?, આંતરરાષ્ટ્રીય સ્તરે આ રેકેટમાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે?, ગુજરાતમાં આ ડ્રગ્સ કયા નેટવર્કને સપ્લાય થવાનું હતું?.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, સરહદ પરની સુરક્ષા એજન્સીઓ અને સ્થાનિક પોલીસ વચ્ચેના સુચારુ સંકલનને કારણે આ મોટી સફળતા મળી છે. આ ધરપકડ સુરત શહેરને ડ્રગ્સના દૂષણથી મુક્ત રાખવાના પોલીસના સંકલ્પને વધુ મજબૂત કરે છે.
