વડોદરા: વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આજે સ્ક્રુટીની (ફોર્મની ચકાસણી) દરમિયાન ભારે રાજકીય ડ્રામા જોવા મળ્યો હતો. શહેરના વિવિધ વોર્ડમાં ઉમેદવારી પત્રોની ચકાસણી વખતે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ આમને-સામને આવી ગયા હતા. ખાસ કરીને વોર્ડ નંબર 6 અને વોર્ડ નંબર 15 માં ફોર્મ રદ કરવા અને વાંધા અરજીઓને લઈને ગરમાવો જોવા મળ્યો હતો.
વોર્ડ 6: જાતિના પ્રમાણપત્ર પર વિવાદ
વોર્ડ નંબર 6 માં ભાજપના ઉમેદવાર રણજીત રાજપૂતના ફોર્મ પર કોંગ્રેસે ગંભીર વાંધો ઉઠાવ્યો છે. કોંગ્રેસના ઉમેદવાર હેરી ઓડે રણજીત રાજપૂતના જાતિ પ્રમાણપત્રની સત્યતા સામે સવાલ ઉઠાવી ચૂંટણી અધિકારી પાસે તેમના લિવિંગ સર્ટિફિકેટ (LC) ની માંગણી કરી છે. આ મામલે ચૂંટણી આયોગને લેખિતમાં રજૂઆત કરવામાં આવતા હાલ રણજીત રાજપૂતનું ફોર્મ માન્ય રાખવા મુદ્દે વિલંબ થઈ રહ્યો છે. આ વિવાદને પગલે બંને પક્ષોના કાર્યકરોમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે.
વોર્ડ 15: કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ
બીજી તરફ, વોર્ડ નંબર 15 માં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર રાજેન્દ્રસિંહ બારોટનું નામ મતદાર યાદીમાં ન હોવાને કારણે તેમનું ઉમેદવારી ફોર્મ રદ કરવામાં આવ્યું છે. આ ઘટના બાદ કોંગ્રેસના ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભરનાર હિતેશ માછી હવે પક્ષના સત્તાવાર ઉમેદવાર બન્યા છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે સત્તાધારી ભાજપે કિન્નાખોરી રાખીને જાણી જોઈને ફોર્મ રદ કરાવ્યું છે. જોકે, ચૂંટણી વિભાગે જણાવ્યું હતું કે અંતિમ પુરવણી યાદીમાં નામ ન હોવાથી આ નિર્ણય લેવાયો છે.
વોર્ડ 1 માં ભાજપને પણ પડી હતી મુશ્કેલી
નોંધનીય છે કે, ઉમેદવારી ફોર્મ ભરતા પૂર્વે વોર્ડ નંબર 1 માં ભાજપને પણ આવી જ સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. ત્યાં પણ ભાજપના એક ઉમેદવારનું નામ મતદાર યાદીમાં ન હોવાનું બહાર આવતા અંતિમ સમયે ઉમેદવાર બદલવાની પક્ષને ફરજ પડી હતી.
સ્ક્રુટીનીની આ પ્રક્રિયા બાદ હવે કેટલા ઉમેદવારો મેદાનમાં રહે છે અને કેટલા ફોર્મ પરત ખેંચાય છે તેના પર સૌની નજર છે. વડોદરા મનપાનો ચૂંટણી જંગ હવે કાયદાકીય દાવપેચ અને વાંધા-વચકાઓ વચ્ચે વધુ રસાકસીભર્યો બન્યો છે.
