સુરત: સરહદો પર દેશની રક્ષા કાજે પોતાની યુવાની સમર્પિત કરનારા ભૂતપૂર્વ અગ્નિવીરો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકારે એક અત્યંત ઐતિહાસિક અને પ્રશંસનીય નિર્ણય લીધો છે. સુરતની મુલાકાતે આવેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એક મહત્વપૂર્ણ જાહેરાત કરતાં જણાવ્યું છે કે, હવેથી ‘ગુજરાત પોલીસ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને કોઈ પણ પ્રકારની લેખિત કે શારીરિક પરીક્ષા આપ્યા વિના સીધી નોકરી આપવામાં આવશે.’ આ સાથે જ અગ્નિવીરો માટે પૂર્વ નિર્ધારિત ૨૦ ટકા અનામતનો લાભ પણ યથાવત રાખવામાં આવ્યો છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી ગુજરાત પોલીસ દળમાં શિસ્તબદ્ધ અને અનુભવી યુવાધનનો ઉમેરો થશે, જેનાથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનશે.
આ નિર્ણયની વિગતો આપતાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ ગૃહ વિભાગ દ્વારા ૯ ઓક્ટોબર, ૨૦૨૬ ના રોજ આ અંગેનો સત્તાવાર સુધારા નિયમ જાહેર કરવામાં આવ્યો છે. અગાઉ રાજ્ય સરકારે પૂર્વ અગ્નિવીરોને શારીરિક કાર્યક્ષમતા કસોટી (Physical Test) માંથી મુક્તિ આપી હતી. હવે ગૃહ વિભાગના નવા સુધારા મુજબ, તેમને લેખિત પરીક્ષામાંથી પણ સંપૂર્ણ મુક્તિ આપી દેવામાં આવી છે. એટલે કે નિયત યોગ્યતા ધરાવતા પૂર્વ અગ્નિવીરોને હવે કોઈપણ કસોટી વિના સશસ્ત્ર અને અસશસ્ત્ર પોલીસ કોન્સ્ટેબલ સહિતની ગણવેશધારી કેડરમાં સીધી ભરતીનો લાભ મળશે. આ ઉપરાંત પૂર્વ અગ્નિવીરો માટે વયમર્યાદામાં પણ ૫ વર્ષની ખાસ છૂટછાટ આપવામાં આવી છે, જેથી વધુમાં વધુ યુવાનો આ તકનો લાભ લઈ શકે.
ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે ૧૭ જુલાઈ, ૨૦૨૬ ના રોજ જાહેર કરેલા મૂળ ભરતી નિયમોમાં જ પૂર્વ અગ્નિવીરો માટે ૨૦ ટકા અનામતની જોગવાઈ કરી દીધી હતી. આ અનામતનો લાભ ભારતીય સશસ્ત્ર દળો જેવાં કે આર્મી, નેવી કે એરફોર્સમાં અગ્નિવીર તરીકે સફળતાપૂર્વક સેવા પૂર્ણ કરી હોય અને જરૂરી દસ્તાવેજી ચકાસણીમાં લાયક ઠરે તેવા ગુજરાતના મૂળ નિવાસી કે કાયમી રહેવાસી ભૂતપૂર્વ અગ્નિવીરોને મળશે. ગૃહ વિભાગે મૂળ નિયમોમાં ‘નિયમ ૫-એ’ ઉમેરીને આ લેખિત પરીક્ષામાંથી મુક્તિનો સુધારો સરકારી ગેઝેટમાં પ્રકાશિત કરીને અમલી બનાવી દીધો છે.
નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, વિષમ પરિસ્થિતિઓમાં દેશની સરહદો સાચવવાનો અનન્ય અનુભવ ધરાવતા અગ્નિવીરો જ્યારે ગુજરાત પોલીસ સાથે ખભેખભો મિલાવીને કામ કરશે, ત્યારે રાજ્યનું પોલીસ તંત્ર વધુ સક્ષમ અને શિસ્તબદ્ધ બનશે. સરહદ પરની આકરા માહોલની તેમની તાલીમનો સીધો લાભ રાજ્યના નાગરિકોની સુરક્ષા અને શાંતિ જાળવવામાં મળશે. રાજ્ય સરકારના આ ક્રાંતિકારી આદેશથી સેનામાંથી નિવૃત્ત થતા અગ્નિવીરોના ભવિષ્યની સુરક્ષા સુનિશ્ચિત થઈ છે અને સાથે જ ગુજરાત પોલીસ દળને તૈયાર, તાલીમબદ્ધ અને દેશભક્ત જવાનોનું પીઠબળ પ્રાપ્ત થશે.
