ગાંધીનગર: ભારતના મહાન સ્વાતંત્ર્ય સેનાની અને જનજાતિય નાયક ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતીના પાવન અવસરે ગુજરાત સરકાર દ્વારા રાજ્યભરમાં એક અનોખી અને ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જનજાતિય ગૌરવ, સંસ્કૃતિ અને તેમના યોગદાનને યાદ કરવા માટે આગામી તા. ૧૧ થી તા. ૧૮ નવેમ્બર ૨૦૨૬ દરમિયાન રાજ્યવ્યાપી “જન જાતિય ગૌરવ સપ્તાહ” (Jan Jatiy Gaurav Saptah) ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે. આ સાપ્તાહિક મહોત્સવના ભવ્ય આયોજન અને રૂપરેખા અંગે ગાંધીનગર ખાતે આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલની વિશેષ અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી, જેમાં રાજ્યભરમાં યોજાનારા કાર્યક્રમોની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.
આ રાજ્યવ્યાપી ઉજવણી અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ અને અધ્યક્ષતામાં છોટાઉદેપુર ખાતે ભવ્ય રાજ્ય કક્ષાનો મુખ્ય કાર્યક્રમ યોજાશે, જ્યારે નાયબ મુખ્યમંત્રી વલસાડ ખાતે ઉપસ્થિત રહી આ ઉજવણીમાં સહભાગી થશે. આ ઉપરાંત, રાજ્યના ૧૪ આદિજાતિ જિલ્લાઓના તમામ વિધાનસભા મતવિસ્તારો, મહાનગરો તેમજ અન્ય બિન-આદિજાતિ જિલ્લાઓમાં પણ જિલ્લા અને મહાનગર કક્ષાના વિવિધ આકર્ષક કાર્યક્રમોનું આયોજન સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. તમામ આદિજાતિ વિધાનસભા ક્ષેત્રોમાં રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓની ઉપસ્થિતિમાં વિશેષ કાર્યક્રમો સંપન્ન થશે, જેથી જનજાતિય સમાજમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે.
ગાંધીનગર ખાતે યોજાયેલી આ મહત્વપૂર્ણ બેઠકમાં રાજ્ય મંત્રી પી.સી. બરંડા, રમેશ કટારા, જયરામ ગામીત તથા મોરચા પ્રમુખ ગણપત વસાવા, મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે, આદિજાતિ વિભાગના સચિવ આલોક કુમાર પાંડે તેમજ નિયામક રચિત રાજ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરો, જિલ્લા વિકાસ અધિકારીઓ (DDOs), મહાનગરોના મ્યુનિસિપલ કમિશનરો, પ્રાયોજના અધિકારીઓ તેમજ આદિજાતિ સાંસદો, ધારાસભ્યો અને સ્થાનિક હોદ્દેદારો જોડાઈને આયોજનને સફળ બનાવવા અંગે વિસ્તૃત વિચાર-વિમર્શ કર્યો હતો.
આ સાપ્તાહિક ઉજવણી દરમિયાન જનજાતિ યુવા સંવાદ, જનજાતીય મહાનુભાવોની પ્રતિમાઓને પુષ્પાંજલિ અર્પણ, પ્રત્યેક ગ્રામ પંચાયતમાં ભગવાન બિરસા મુંડાના જીવન ચરિત્રનું પઠન અને વિશેષ આરતી, ભવ્ય દીપોત્સવ, પરંપરાગત વાદ્યોના નાદ સાથે આકર્ષક શોભાયાત્રા, પ્રબુદ્ધ નાગરિક સંમેલન, પરંપરાગત રમતોત્સવ તથા મહિલા સંમેલન જેવા અનેક પ્રેરણાદાયી અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. આ વ્યાપક આયોજનથી નવી પેઢીને ભગવાન બિરસા મુંડાના બલિદાન અને જનજાતિય સંસ્કૃતિના ઇતિહાસથી માહિતગાર કરી શકાશે.
