વડોદરા: વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતા પટેલ પરિવારે આ વર્ષે ગણેશ મહોત્સવને એક અનોખી થીમ સાથે ઉજવ્યો છે, જેમાં પ્રયાગરાજના મહાકુંભની ભવ્ય ઝાંખી બનાવવામાં આવી છે. આ પંડાલ શહેરના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

હેમાંશુ પટેલ દ્વારા તૈયાર કરવામાં આવેલી આ થીમમાં મહાકુંભના વિવિધ દ્વારો, ઘાટ, સંગમ, ભાવિકો, પીપાપૂલ, હોડીઓ અને સંતોને આબેહૂબ રીતે દર્શાવવામાં આવ્યા છે. આ સંપૂર્ણ સજાવટ ઇકો-ફ્રેન્ડલી રીતે તૈયાર કરવામાં આવી છે, જેમાં ચોક, કાર્ડબોર્ડ, રંગો અને કાગળનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સજાવટ તૈયાર કરતા લગભગ ચાર મહિનાનો સમય લાગ્યો હતો.

પટેલ પરિવાર છેલ્લા ૪૨ વર્ષથી ગણેશોત્સવની ઉજવણી કરી રહ્યો છે અને દર વર્ષે નવી થીમ રજૂ કરે છે. આ વર્ષે તેમની મહેનતને ‘ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ’ દ્વારા પણ માન્યતા મળી છે. આ પ્રયાસનો ઉદ્દેશ્ય પર્યાવરણનું રક્ષણ અને ભારતીય સંસ્કૃતિની સમૃદ્ધ પરંપરાઓ વિશે જાગૃતિ ફેલાવવાનો છે, એમ હેમાંશુ પટેલે જણાવ્યું હતું.
