વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં ફરી એકવાર ‘લુટેરી દુલ્હન’ સક્રિય થઈ હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. મકરપુરા પોલીસ સ્ટેશનની ટીમે આ ટોળકીના મુખ્ય સૂત્રધારની મહેસાણાથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ટોળકીએ સુરેન્દ્રનગર જિલ્લાના એક નિર્દોષ યુવકને લગ્નની લાલચ આપી લાખો રૂપિયાનો ચૂનો લગાવ્યો હોવાનું બહાર આવ્યું છે.
૩.૭૫ લાખનો મુદ્દામાલ પડાવ્યો
મળતી વિગતો અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લાના લાલજી ભલગામા નામના યુવકને આ ટોળકીએ લગ્નની લાલચ આપી હતી. ટોળકીએ યુવકને વિશ્વાસમાં લેવા માટે સમજૂતી કરાર (એગ્રીમેન્ટ) કરાવીને લગ્ન કરાવ્યા હતા. લગ્ન બાદ લુટેરી દુલ્હન સોનાલી શ્રીવાસ્તવ અને તેની ટોળકીએ યુવક પાસેથી સોનાના દાગીના અને રોકડ રકમ મળી કુલ રૂ. ૩.૭૫ લાખનો મુદ્દામાલ પડાવી લીધો હતો અને ફરાર થઈ ગયા હતા.
મહેસાણાનો સૂત્રધાર ઝડપાયો, ૩ વોન્ટેડ
મકરપુરા પોલીસે બાતમીના આધારે તપાસ તેજ કરીને આ ટોળકીના મુખ્ય સૂત્રધાર મહેન્દ્ર મોહન ઉર્ફે મોહનલાલ અંબાલાલ પ્રજાપતિ (રહે. ગોરાદ ગામ, મહેસાણા) ની ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આ ટોળકી લાંબા સમયથી આવા નિર્દોષ યુવકોને નિશાન બનાવી રહી હતી. જોકે, આ કેસમાં હજુ પણ મુખ્ય આરોપી દુલ્હન સોનાલી શ્રીવાસ્તવ સહિત ત્રણ આરોપીઓ પોલીસ પકડથી દૂર છે.
પોલીસ તપાસ ચાલુ
મકરપુરા પોલીસ અત્યારે ઝડપાયેલા આરોપી મહેન્દ્ર પ્રજાપતિના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી રહી છે. પોલીસને આશંકા છે કે આ ટોળકીએ ગુજરાતના અન્ય શહેરોમાં પણ આ પ્રકારે અનેક યુવકોને છેતર્યા હોઈ શકે છે. વોન્ટેડ આરોપીઓને પકડવા માટે અલગ-અલગ ટીમો રવાના કરવામાં આવી છે.
