અમદાવાદ: ભારતની મુલાકાતે આવેલા જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદમાં સાબરમતી નદીના તટે આવેલા ઐતિહાસિક ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. બંને મહાનુભાવોએ પૂજ્ય મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે ગાંધીજીના નિવાસસ્થાન ‘હૃદયકુંજ’ની મુલાકાત લઈ રેંટિયો કાંતવાની પ્રક્રિયા નિહાળી હતી. ગાંધીજીના સાદગીપૂર્ણ જીવન અને આત્મનિર્ભરતાના સંદેશ પ્રત્યે જર્મન ચાન્સેલરે ઊંડો આદર વ્યક્ત કર્યો હતો.
વિઝિટર્સ બૂકમાં ચાન્સેલરનો ભાવુક સંદેશ
સાબરમતી આશ્રમની મુલાકાત વેળાએ ચાન્સેલર મેર્ઝએ વિઝિટર્સ બૂકમાં લખ્યું હતું કે, “સ્વતંત્રતાની શક્તિ અને દરેક વ્યક્તિના મનમાં મહાત્મા ગાંધીનો અડગ વિશ્વાસ આજે પણ આપણને પ્રેરણા આપે છે.”
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ (IKF-2026)નો પ્રારંભ
ત્યારબાદ, અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આકાશ રંગબેરંગી પતંગોથી ભરાઈ ગયું હતું. વડાપ્રધાન મોદી અને જર્મન ચાન્સેલર મેર્ઝએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૬નો ભવ્ય પ્રારંભ કરાવ્યો હતો. બંને મહાનુભાવોએ ઉત્સાહપૂર્વક પતંગ ચગાવીને ગુજરાતની સંસ્કૃતિનો આનંદ માણ્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતી વિરાસતનું નિદર્શન
બંને નેતાઓએ અમદાવાદની પોળ અને હવેલીની સ્થાપત્યકલાની પ્રતિકૃતિની મુલાકાત લીધી હતી. હેરિટેજ વોકવે પર પતંગ મ્યુઝિયમ અને આઈકોનિક ફોટો વોલ નિહાળી હતી. તેમણે પતંગ બનાવનારા કારીગરો દ્વારા પતંગ બનાવવાની કળાનું જીવંત નિદર્શન પણ નિહાળ્યું હતું. જર્મન ચાન્સેલરે વિવિધ રાજ્યોની અલગ-અલગ બનાવટની પતંગો વિશે જીજ્ઞાસાપૂર્વક માહિતી મેળવી હતી.
ત્રણ દિવસીય મુલાકાત બાદ વડાપ્રધાનની વિદાય
ગુજરાતની ત્રણ દિવસીય સફળ અને ઐતિહાસિક મુલાકાત પૂર્ણ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પરત જવા રવાના થયા હતા. અમદાવાદ એરપોર્ટ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા તેમને ઉષ્માપૂર્ણ વિદાય પાઠવવામાં આવી હતી.
