કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાના અધ્યક્ષપદે ૧૩ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ નવી દિલ્હી ખાતે કર્મચારી ભવિષ્ય નિધિ (EPF)ના કેન્દ્રીય ટ્રસ્ટી મંડળ (CBT)ની ૨૩૮મી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સભ્યોની સુવિધા અને નિવૃત્તિ સુરક્ષા વધારવાના ઉદ્દેશ્યથી અનેક દૂરગામી અને સભ્યો-કેન્દ્રીત નિર્ણયો લેવામાં આવ્યા હતા.
બેઠકમાં ઉપ-અધ્યક્ષ શોભા કરંદલાજે, શ્રમ અને રોજગાર રાજ્ય મંત્રી, અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.
EPFના આંશિક ઉપાડના નિયમોનું સરળીકરણ (Simplification of Partial Withdrawal):
સભ્યો માટે ‘Ease of Living’ વધારવા માટે CBT એ EPFના આંશિક ઉપાડની ૧૩ જટિલ જોગવાઈઓને મર્જ કરીને એક જ સુવ્યવસ્થિત નિયમ બનાવવાનો નિર્ણય લીધો છે. આ નિયમને ત્રણ શ્રેણીઓમાં વિભાજિત કરવામાં આવ્યો છે: આવશ્યક જરૂરિયાતો (બીમારી, શિક્ષણ, લગ્ન), હાઉસિંગ જરૂરિયાતો અને વિશેષ સંજોગો.
- ઉપાડની મર્યાદામાં છૂટછાટ: હવે સભ્યો કર્મચારી અને એમ્પ્લોયર બંનેના હિસ્સા સહિત પાત્ર બેલેન્સના ૧૦૦% સુધીનો ઉપાડ કરી શકશે.
- ન્યૂનતમ સર્વિસમાં ઘટાડો: તમામ આંશિક ઉપાડ માટે ન્યૂનતમ સર્વિસની જરૂરિયાત ઘટાડીને માત્ર ૧૨ મહિના કરવામાં આવી છે.
- વિશેષ સંજોગો: સભ્યો હવે કોઈપણ કારણ દર્શાવ્યા વિના ‘વિશેષ સંજોગો’ હેઠળ આંશિક ઉપાડ માટે અરજી કરી શકશે, જેનાથી દાવાઓ નામંજૂર થવાની શક્યતા ઘટશે.
‘વિશ્વાસ સ્કીમ’ (Vishwas Scheme) દ્વારા પેનલ્ટીમાં રાહત:
મોટા પાયે ચાલી રહેલા કાનૂની વિવાદોને ઘટાડવા માટે ‘વિશ્વાસ સ્કીમ’ શરૂ કરવામાં આવી છે. PFની ચૂકવણીમાં વિલંબ બદલ લાદવામાં આવતા દંડના દરને ૧% પ્રતિ માસના ફ્લેટ રેટ સુધી ઘટાડવામાં આવ્યો છે (પ્રથમ ૪ મહિનાના ડિફોલ્ટ માટે ગ્રેડેડ રેટ લાગુ). આ યોજના ૬ મહિના માટે અમલમાં રહેશે, જે એમ્પ્લોયર અને સભ્યો બંનેને કાનૂની ખર્ચ અને વહીવટી બોજમાંથી મુક્તિ અપાવશે.
ઇપીએસ પેન્શનરો માટે ‘ઘેર બેઠા’ જીવન પ્રમાણપત્ર:
EPFO એ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB) સાથે MoU કરવા માટે મંજૂરી આપી છે, જેનાથી EPS પેન્શનરોને તેમના ઘરના આંગણે (Doorstep) ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ (DLC) સેવા ₹૫૦ના નજીવા દરે પ્રાપ્ત થશે, જેનો ખર્ચ EPFO ઉઠાવશે. આનાથી વૃદ્ધ પેન્શનરોને, ખાસ કરીને ગ્રામ્ય અને દૂરના વિસ્તારોમાં, પેન્શન ચાલુ રાખવામાં સરળતા રહેશે.
EPFO 3.0: ડિજિટલ ટ્રાન્સફોર્મેશન:
EPFO 3.0ના ભાગરૂપે, CBT એ સેવાઓના આધુનિકીકરણ માટે એક વ્યાપક સભ્ય-કેન્દ્રીત ડિજિટલ ટ્રાન્સફોર્મેશન ફ્રેમવર્કને મંજૂરી આપી છે. આ પહેલ ઝડપી ઓટોમેટેડ ક્લેમ્સ, ત્વરિત ઉપાડ અને બહુભાષી સેલ્ફ-સર્વિસને સક્ષમ બનાવશે. ડૉ. માંડવિયાએ આ ઉપરાંત પુનર્નિર્મિત રિટર્ન ફાઇલિંગ મોડ્યુલ, યુઝર મેનેજમેન્ટ મોડ્યુલ, અપગ્રેડેડ ઈ-ઓફિસ અને APAR મેનેજમેન્ટ માટે SPARROW પણ લોન્ચ કર્યા હતા.
