વડોદરા: વડોદરા મહાનગરપાલિકાના વર્ષ 2025-26ના સુધારેલા (રીવાઇઝ્ડ) અને વર્ષ 2026-27ના નવા ડ્રાફ્ટ અંદાજપત્રને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. આગામી 3 ફેબ્રુઆરી, મંગળવારના રોજ સવારે 10:30 કલાકે મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાબુ સ્થાયી સમિતિના ખંડમાં બજેટ રજૂ કરશે. આ બજેટમાં વડોદરાના ભવિષ્યના વિકાસનો રોડમેપ અને નાણાકીય જોગવાઈઓ રજૂ કરવામાં આવશે.
ચૂંટણીનું વર્ષ અને કર-મુક્તિની આશા
વડોદરા કોર્પોરેશનની સામાન્ય ચૂંટણીઓ નજીક આવી રહી છે, ત્યારે આ બજેટ સંપૂર્ણપણે ચૂંટણીલક્ષી હોવાનું મનાય છે. રાજકીય સૂત્રોના જણાવ્યા અનુસાર, મધ્યમ વર્ગ અને શહેરીજનોને આકર્ષવા માટે આ વર્ષે બજેટમાં કોઈપણ પ્રકારના નવા કરવેરા ઝીંકવામાં આવે તેવી શક્યતા નહિવત છે. એટલે કે, વડોદરાવાસીઓને ‘કર-દર વગરનું’ રાહતલક્ષી બજેટ મળી શકે છે.
જનતાના સૂચનો અને વિકાસના વાયદા
આ વખતે કોર્પોરેશન દ્વારા બજેટ તૈયાર કરતા પૂર્વે એક નવતર અભિગમ અપનાવવામાં આવ્યો હતો. જેમાં શહેરના નાગરિકો, નિષ્ણાતો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ (ધારાસભ્યો અને સાંસદ) પાસેથી લેખિત સૂચનો લેવામાં આવ્યા હતા.
OG વિસ્તારો: નવા ભળેલા વિસ્તારોમાં પાણી અને ડ્રેનેજની પાયાની સુવિધાઓ માટે મોટી જોગવાઈ અપેક્ષિત છે.
ટ્રાફિક અને સ્કૂલો: ફ્લાયઓવર, રિંગરોડ અને કોન્સેપ્ટ સ્કૂલો જેવા પ્રોજેક્ટ્સ બજેટનું આકર્ષણ બની શકે છે.
ચૂંટણી કાર્ડ: ચૂંટણી પહેલા શહેરીજનોને ખુશ કરવા માટે અનેક નવા વિકાસલક્ષી પ્રોજેક્ટ્સના સપના બતાવવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે.
સમિતિ બાદ સામાન્ય સભામાં થશે ચર્ચા
3 ફેબ્રુઆરીએ કમિશનર દ્વારા બજેટ રજૂ થયા બાદ, સ્થાયી સમિતિ તેના પર વિગતવાર ચર્ચા-વિચારણા કરશે. સમિતિ દ્વારા જરૂરી ફેરફારો કર્યા બાદ આ બજેટ મંજૂરી માટે કોર્પોરેશનની સામાન્ય સભા (Board Meeting) માં મોકલવામાં આવશે, જ્યાં આખરી મહોર મારવામાં આવશે.
