અમદાવાદ: ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદમાં આવેલા સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ (SVPI) એરપોર્ટ પરથી નશાના કારોબાર સામે ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) ની અહમદાબાદ ઝોનલ યુનિટને મોટી સફળતા સાંપડી છે. ડીઆરઆઈની ટીમે ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરીને એરપોર્ટ પરથી એક યુગાન્ડાના નાગરિકને ઝડપી પાડ્યો છે અને તેની પાસેથી અંદાજે ૯૮૧ ગ્રામ (લગભગ ૧ કિલો) ઉચ્ચ ગુણવત્તા ધરાવતું કોકેન જપ્ત કર્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડો રૂપિયાની કિંમત ધરાવતો આ ડ્રગ્સનો જથ્થો અત્યંત શાતિર રીતે ટ્રોલી બેગની ગુપ્ત જગ્યાઓમાં છુપાવવામાં આવ્યો હતો.
સત્તાવાર વિગતો મુજબ, DRI અમદાવાદને ગુપ્ત માહિતિ મળી હતી કે એક વિદેશી નાગરિક કતાર એરવેઝની ફ્લાઇટ (QR534) મારફતે વિદેશથી અમદાવાદ એરપોર્ટ પર ઉતરીને ડ્રગ્સનો મોટો જથ્થો ઘુસાડવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ બાતમીના આધારે ડીઆરઆઈના અધિકારીઓએ એરપોર્ટ પર સઘન વોચ ગોઠવી હતી અને શંકાસ્પદ મુસાફર લેન્ડ થતાં જ તેને અટકાવીને પૂછપરછ હાથ ધરી હતી. શરૂઆતમાં પૂછપરછ દરમિયાન યુગાન્ડાના નાગરિકે પોતાની પાસે કોઈ પ્રતિબંધિત કે નશીલો પદાર્થ હોવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો હતો અને સત્તાવાળાઓને ગુમરાહ કરવાનો પ્રયાસ કર્યો હતો.
જોકે, DRI ની ટીમે તેની શંકાસ્પદ હિલચાલ અને પાકી બાતમીના આધારે તેના સામાનની ઝીણવટભરી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન મુસાફરની ટ્રોલી બેગની બનાવટમાં કેટલાક અસામાન્ય ફેરફારો અને મોડિફિકેશન જોવા મળ્યા હતા. કાળજીપૂર્વક બેગના સ્પેરપાર્ટ્સ ખોલવામાં આવતા અધિકારીઓ પણ દંગ રહી ગયા હતા. આરોપીએ ટ્રોલી બેગના ઉપરના ટેલિસ્કોપિક હેન્ડલના રોડ તેમજ નીચેના પ્લાસ્ટિક સપોર્ટ કમ્પોનન્ટ્સની અંદરની ખાલી જગ્યાઓમાં પોલિથિનની નાની નાની થેલીઓમાં સફેદ પાવડર સંતાડ્યો હતો. બેગના ભાગો ડિસમન્ટલ કરીને કુલ ૯૮૧ ગ્રામ સફેદ પાવડર રિકવર કરાયો હતો, જેનું કેમિકલ પરીક્ષણ કરતા તે જાનલેવા ‘કોકેન’ હોવાની સત્તાવાર પુષ્ટિ થઈ હતી.
આ મામલે DRI દ્વારા નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ, ૧૯૮૫ ની વિવિધ કલમો હેઠળ સમગ્ર કોકેનનો જથ્થો જપ્ત કરી લેવામાં આવ્યો છે અને યુગાન્ડાના નાગરિકની વિધિવત ધરપકડ કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સ્મગલિંગ નેટવર્કનો પર્દાફાશ કરવા માટે ડીઆરઆઈએ ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. આ કોકેનનો જથ્થો ક્યાંથી મોકલવામાં આવ્યો હતો, ગુજરાત કે ભારતમાં તેની ડિલિવરી કોને આપવાની હતી અને આ રેકેટમાં દેશ-વિદેશના અન્ય કયા કયા આકાઓ સામેલ છે તે તમામ દિશાઓમાં હાલ તીવ્ર તપાસ ચલાવવામાં આવી રહી છે.
