સુરત: જુલાઈ મહિનાની શરૂઆત થતાં જ ગુજરાતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરવાના સંકેતો આપી દીધા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરવામાં આવેલા તાજા બુલેટિન અનુસાર, આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે અને કેટલાક વિસ્તારોમાં અત્યંત ગંભીર વરસાદ પડવાની સંભાવનાને પગલે રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી ૨૪ કલાકમાં દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને વલસાડ જિલ્લાઓમાં તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદ પડી શકે છે, જેના કારણે આ વિસ્તારો માટે ‘રેડ એલર્ટ’ (Red Alert) જારી કરાયું છે.
તારીખ પ્રમાણે આગામી ૫ દિવસની વિગતવાર આગાહી અને એલર્ટ્સ:
૧ જુલાઈ: દક્ષિણ ગુજરાત (સુરત, નવસારી, વલસાડ) અને દમણ, દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ. નર્મદા, ભરૂચ, તાપી, ડાંગ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદની આશંકા સાથે ઓરેન્જ એલર્ટ. જ્યારે વડોદરા, છોટાઉદેપુર, રાજકોટ અને જૂનાગઢમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
૨ જુલાઈ: સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ યથાવત રહેશે. નર્મદા, ભરૂચ, તાપી, અમરેલી અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ રહેશે, જ્યારે બાકીના ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
૩ જુલાઈ: ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ જ્યારે નર્મદા, ભરૂચ, સુરત, અમરેલી અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટની ચેતવણી આપવામાં આવી છે.
૪ જુલાઈ: વરસાદનું જોર થોડું બદલાશે અને માત્ર નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં જ અત્યંત ભારે વરસાદની સંભાવના સાથે રેડ એલર્ટ રહેશે. જ્યારે છોટાઉદેપુર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
૫ જુલાઈ: ડાંગ, તાપી અને વલસાડમાં રેડ એલર્ટ રહેશે, જ્યારે નર્મદા, નવસારી, અમરેલી અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ રહેશે. આ દિવસે સમગ્ર રાજ્યમાં ૪૦ થી ૫૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા અને વીજળીના કડાકા-ભડાકા સાથે મધ્યમ વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
૬ અને ૭ જુલાઈથી વરસાદની તીવ્રતામાં આંશિક ઘટાડો થવાની ધારણા છે, જેથી કોઈ રેડ એલર્ટ રહેશે નહીં. જો કે, ડાંગ, નવસારી, વલસાડ અને તાપીમાં ઓરેન્જ એલર્ટ જ્યારે વડોદરા, ભરૂચ, સુરત અને અમદાવાદની આસપાસના ભાગોમાં યલો એલર્ટ ચાલુ રહેશે.
કેમ સક્રિય થઈ આટલી બધી મજબૂત સિસ્ટમ?
IMD ના રિપોર્ટ અનુસાર, એકસાથે ચારથી પાંચ અનુકૂળ હવામાન સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતમાં આ ચોમાસું રૌદ્ર બન્યું છે:
૧. દક્ષિણ ગુજરાતથી લઈને કર્ણાટક સુધી વિસ્તરેલી ઓફશોર ટ્રફ (Offshore Trough) સતત સક્રિય છે.
૨. પંજાબથી લઈને બંગાળની ખાડી સુધી વિસ્તરેલી સીઝનલ મોન્સૂન ટ્રફ પણ મજબૂત સ્થિતિમાં છે.
૩. સૌરાષ્ટ્ર અને તેની આસપાસના વાતાવરણમાં એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન (Cyclonic Circulation) સક્રિય છે જે વરસાદને પાવર આપી રહ્યું છે.
૪. સૌથી મહત્વની બાબત એ છે કે, ૩ જુલાઈની આસપાસ ઉત્તર બંગાળની ખાડીમાં એક નવું લો-પ્રેશર (હવાનું હળવું દબાણ) સર્જાવાની પૂરેપૂરી શક્યતા છે. આ સિસ્ટમ ઓડિશા, છત્તીસગઢ અને મહારાષ્ટ્ર થઈને ગુજરાત તરફ આગળ વધશે, જેનાથી પશ્ચિમ ભારતમાં ચોમાસું વધુ વેગીલું બનશે.
હાલમાં ગુજરાત પર લોઅર લેવલે દક્ષિણ-પશ્ચિમ અને પશ્ચિમ દિશાના ભેજવાળા પવનો ફૂંકાઈ રહ્યા હોવાથી આગામી દિવસોમાં સાર્વત્રિક વરસાદ માટે વાતાવરણ સંપૂર્ણપણે અનુકૂળ બન્યું છે. વહીવટી તંત્ર દ્વારા પણ નીચાણવાળા વિસ્તારો અને નદી કિનારાના ગામોને સાવધ રહેવા સૂચના આપી દેવામાં આવી છે.
