Wednesday, 2 September 2026
  • Home  
  • ગમછા વાળા શૂટર્સ, ઈ-બસના ‘રીલબાજ’ ડ્રાઈવરની હકાલપટ્ટી, વાંચો વડોદરાના ટોપ ન્યૂઝ
- ગુજરાત - મધ્ય ગુજરાત

ગમછા વાળા શૂટર્સ, ઈ-બસના ‘રીલબાજ’ ડ્રાઈવરની હકાલપટ્ટી, વાંચો વડોદરાના ટોપ ન્યૂઝ

વડોદરા: સાંસ્કૃતિક નગરી વડોદરામાં આજે ગુનાખોરી, અકસ્માત, વહીવટી તંત્રની હલચલ અને ભારે વરસાદને કારણે અનેક મોટી ઘટનાઓ સામે આવી છે. શહેર અને જિલ્લામાં બનેલી આજની ૮ મુખ્ય મોટી ખબરોની વિસ્તૃત વિગતો નીચે મુજબ છે: 1. વાઘોડિયા રોડ ફાયરિંગ કેસ: શૂટરોના CCTV ફૂટેજ સામે આવ્યા, 50થી વધુ હોટેલોમાં તપાસ વાઘોડિયા રોડ પર ગારમેન્ટના જાણીતા વેપારી આશિષ […]

વડોદરા: સાંસ્કૃતિક નગરી વડોદરામાં આજે ગુનાખોરી, અકસ્માત, વહીવટી તંત્રની હલચલ અને ભારે વરસાદને કારણે અનેક મોટી ઘટનાઓ સામે આવી છે. શહેર અને જિલ્લામાં બનેલી આજની ૮ મુખ્ય મોટી ખબરોની વિસ્તૃત વિગતો નીચે મુજબ છે:

વાઘોડિયા રોડ પર ગારમેન્ટના જાણીતા વેપારી આશિષ બારોલીયા પર થયેલા સનસનાટીભરી ફાયરિંગના મામલામાં ઘટનાના ૪ દિવસ બાદ પણ શૂટરો પોલીસ પકડથી દૂર છે. જો કે, ક્રાઈમ બ્રાન્ચ અને પોલીસને મોટી સફળતા મળી છે. શૂટરોના CCTV ફૂટેજ સામે આવ્યા છે. બંને શૂટરો ઘટના પહેલાં બે દિવસ સુધી વેપારીની રેકી કરી રહ્યા હોવાનું બહાર આવ્યું છે. તેઓ શહેરના ૩૦ જેટલા અલગ-અલગ સ્થળો જેમાં વાઘોડિયા રોડ, પ્રતાપનગર અને રેલવે સ્ટેશન વિસ્તારના સીસીટીવીમાં કેદ થયા છે. પોલીસે પરિવાર ચાર રસ્તા સહિત પચાસથી વધુ હોટેલો ખંદોળી નાખી છે અને ૨૦૦થી વધુ સીસીટીવી ફૂટેજ તેમજ શંકાસ્પદ મોબાઈલ નંબરોની તપાસ શરૂ કરી છે. શૂટરો શહેરની બહાર ભાગી ગયા હોવાની આશંકા વચ્ચે અલગ-અલગ ટીમો તપાસ ચલાવી રહી છે.

વડોદરામાં આજે સવારે એક મોટી વહીવટી લાપરવાહી સામે આવી. વડોદરા મહાનગરપાલિકા (VMC) દ્વારા ૩૦ જૂન બાદ વિનાયક સીટી બસ સર્વિસનો કોન્ટ્રાક્ટ રિન્યુ ન કરાતા સંચાલકોએ સવારથી ૧૪૦ બસોના પૈડાં થંભાવી દીધા હતા. જેના કારણે સવાર-સવારમાં નોકરી અને શાળાએ જતા હજારો મુસાફરો અટવાઈ પડ્યા હતા અને જનમહલ સીટી ડેપો પર ભારે ધસારો અને હોબાળો થયો હતો. વાઇબ્રન્ટ સમિટના કારણે કોન્ટ્રાક્ટ રિન્યુ કરવાનો બાકી રહી ગયો હોવાનું સામે આવ્યું છે. જો કે, સ્થિતિ બગડતા જ પાલિકાએ તાત્કાલિક આગામી ૩ મહિના માટે કોન્ટ્રાક્ટ રિન્યુ કર્યો હતો અને બસ સેવા પુનઃ શરૂ થઈ હતી. હવે શહેરમાં ૨૯ જૂનથી શરૂ થયેલી ૩૦ નવી પી.એમ. ઈ-બસો અને ૧૪૦ વિનાયક બસો મળી કુલ ૧૭૦ બસો દોડશે.

વડોદરાવાસીઓ જે વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તેની આજે ધમાકેદાર એન્ટ્રી થઈ છે. જો કે, પ્રથમ વરસાદમાં જ વડોદરા કોર્પોરેશનની પ્રી-મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર હોવાનું સાબિત થયું છે. વરસાદના આગમનની સાથે જ શહેરના નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા. ખાસ કરીને જેતલપુર બ્રિજની નીચે ઘૂંટણસમા પાણી ભરાઈ જવાના કારણે વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.

વરસાદના કારણે લપસણા બનેલા ફતેગંજ બ્રિજ પર આજે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી, જ્યાં એક પછી એક ૧૦ વાહનો આપસમાં ધડાકાભેર ભટકાયા હતા. આ અકસ્માતમાં બે અલગ-અલગ બનાવો બન્યા હતા, જેમાં પાલિકાના બેફામ દોડતા ડમ્પર ચાલકે ૩ થી ૪ ગાડીઓને અડફેટે લેતા કારોને લાખો રૂપિયાનું નુકસાન થયું હતું. જ્યારે બીજા બનાવમાં અમદાવાદથી માલેગાંવ જતી એસ.ટી. બસની બ્રેક ફેલ થતાં તે એક કાર સાથે અથડાઈ હતી. સદનસીબે આ ભયાનક અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ગાડીઓનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. ઘટનાના પગલે નોકરી-ધંધાર્થે જતા લોકો કલાકો સુધી ટ્રાફિકમાં અટવાયા હતા. પોલીસે સ્થળ પર પહોંચી વાહનો હટાવી ટ્રાફિક હળવો કર્યો હતો.

હજુ બે દિવસ પહેલા જ વડોદરાને મળેલી નવી આધુનિક પીએમ ઈ-બસના એક ડ્રાઈવરની ગંભીર બેદરકારી સામે આવી છે. ડ્રાઈવરે અકોટા બ્રિજ પર ચાલુ બસે મુસાફરોના જીવ જોખમમાં મૂકીને સોશિયલ મીડિયા માટે ‘રીલ’ (Reel) બનાવી હતી. આ વીડિયો વાયરલ થતાં જ મનપાના પ્રોજેક્ટ અધિકારી જતન બધેકાએ કડક પગલાં લીધા છે. ચાલુ બસે રીલ બનાવનાર બેજવાબદાર ડ્રાઈવરને તાત્કાલિક નોકરીમાંથી હાંકી કાઢવામાં આવ્યો છે (હકાલપટ્ટી). આ ઉપરાંત, ઈ-બસનું સંચાલન કરતી દિલ્હીની જેબીએમ ઇકોલાઇફ મોબિલિટી (JBM Ecolife Mobility) કંપનીને પણ કારણદર્શક નોટિસ ફટકારી જવાબ માંગવામાં આવ્યો છે.

વડોદરા જિલ્લા પોલીસ તંત્રમાં આજે મોટો વહીવટી ભૂકંપ આવ્યો છે. જિલ્લા પોલીસ વડા (SP) સુશીલ અગ્રવાલે મોટો સપાટો બોલાવતા એકસાથે ૨૭૯ પોલીસ જવાનોની સામુહિક આંતરિક બદલીના હુકમો કર્યા છે. આ બદલીઓમાં જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB), એસ.ઓ.જી. (SOG), ટ્રાફિક શાખા, એમ.ઓ.બી., રીડર શાખા અને જિલ્લાના ૧૪ પોલીસ મથકોના કર્મચારીઓ સામેલ છે. કેટલાક પોલીસ જવાનો વર્ષોથી એક જ પોલીસ સ્ટેશનમાં મલાઈદાર પોસ્ટ પર ફરજ બજાવતા હતા, જેમને હટાવી ધરમૂળથી બદલીઓ કરાતા સમગ્ર પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો છે.

વડોદરાના સેવાસી વિસ્તારમાં આવેલા તળાવમાંથી આજે એક યુવકનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ, મૃતક યુવકનું નામ રમેશભાઈ સોલંકી છે અને તેઓ છેલ્લા બે દિવસથી પોતાના ઘરેથી ગુમ હતા. તળાવમાં લાશ તરતી હોવાની જાણ થતાં જ લોકોના ટોળેટોળા એકત્ર થયા હતા. વડીવાડી ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યો હતો અને તાલુકા પોલીસને સોંપ્યો હતો. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી લાશને પોસ્ટમોર્ટમ માટે ગોત્રી હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરાના વોર્ડ નંબર ૧૪ ના કોંગ્રેસના યુવા કાઉન્સિલર તીર્થ બ્રહ્મભટ્ટે આજે માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. શહેરમાં પાલિકાની પાણીની લાઈન રિપેરિંગની કામગીરી દરમિયાન અચાનક એક મજૂરને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો અને તે ખાડામાં જ બેભાન થઈ ગયો હતો. ઘટનાસ્થળે હાજર કાઉન્સિલર તીર્થ બ્રહ્મભટ્ટે એક પણ ક્ષણ ગુમાવ્યા વિના ખાડામાં કૂદી પડ્યા હતા અને મજૂરને તાત્કાલિક સીપીઆર (CPR – કાર્ડિયોપલ્મોનરી રિસસિટેશન) આપવાનું શરૂ કર્યું હતું. કાઉન્સિલરની આ સમયસૂચકતાના કારણે મજૂરનો જીવ બચી ગયો હતો. ત્યારબાદ તેને સારવાર માટે એસએસજી (SSG) હોસ્પિટલ ખસેડાયો હતો. આ સાથે જ કોર્પોરેટરે કોઈપણ સેફ્ટી વગર મજૂરોને જોખમી કામ પર રાખનાર પાલિકાના કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની ઉગ્ર માંગ કરી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic