નવી દિલ્હી: ટેક જાયન્ટ ગૂગલે બુધવારે ભારતીય યુઝર્સ માટે ગૂગલ ક્રોમ (Google Chrome) માં નવા ઇન-બિલ્ટ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ફીચર્સ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ પગલાથી યુઝર્સનો બ્રાઉઝિંગ અનુભવ વધુ સરળ, સુરક્ષિત અને મદદરૂપ બનશે. આ નવા અપડેટની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં હિન્દી અને ગુજરાતી સહિત ભારતની 8 મુખ્ય ભાષાઓનો સપોર્ટ આપવામાં આવ્યો છે.
8 પ્રાદેશિક ભાષાઓનો સમાવેશ
ગૂગલે વિશ્વભરની 50 થી વધુ ભાષાઓ માટે સપોર્ટ રોલ આઉટ કર્યો છે, જેમાં ભારતની નીચે મુજબની ભાષાઓનો સમાવેશ થાય છે:
- ગુજરાતી
- હિન્દી
- બંગાળી
- કન્નડ
- મલયાલમ
- મરાઠી
- તેલુગુ
- તમિલ
Gemini 3.1 મોડલ પર આધારિત ફીચર્સ
ક્રોમના આ નવા ફીચર્સ ગૂગલના અત્યાધુનિક Gemini 3.1 મોડલ પર આધારિત છે. આ ઇન્ટિગ્રેશન દ્વારા યુઝર્સ માહિતીને વધુ અસરકારક રીતે શોધી અને સમજી શકશે. ગૂગલ ક્રોમના પ્રોડક્ટ મેનેજમેન્ટ ડાયરેક્ટર શાર્મેન ડિસિલ્વાએ જણાવ્યું હતું કે, બ્રાઉઝર એ એક એવી જગ્યા છે જ્યાં આપણે કામ કરીએ છીએ, નવું શીખીએ છીએ અને વિશ્વ સાથે જોડાઈએ છીએ. આ AI ફીચર્સ યુઝર્સને તેમના બ્રાઉઝરનો મહત્તમ ઉપયોગ કરવામાં મદદ કરશે.
ક્યાં ઉપલબ્ધ થશે?
ગૂગલના જણાવ્યા અનુસાર, આ શક્તિશાળી AI ફીચર્સ સૌ પ્રથમ ડેસ્કટોપ (Windows/Mac) અને iOS (iPhone/iPad) યુઝર્સ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. ત્યારબાદ ધીમે ધીમે તે એન્ડ્રોઇડ પ્લેટફોર્મ પર પણ જોવા મળી શકે છે.
