Wednesday, 23 September 2026
  • Home  
  • અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળાનો કાળો કેર : સપ્ટેમ્બરના ૨૦ જ દિવસમાં ડેન્ગ્યુના ૫૦૦ કેસ
- ગુજરાત - મધ્ય ગુજરાત

અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળાનો કાળો કેર : સપ્ટેમ્બરના ૨૦ જ દિવસમાં ડેન્ગ્યુના ૫૦૦ કેસ

અમદાવાદ: અમદાવાદ શહેરમાં ચોમાસા દરમિયાન પડેલા પૂરતા વરસાદ અને ત્યારબાદ સર્જાયેલા ભેજવાળા વાતાવરણને કારણે મચ્છરજન્ય રોગચાળાએ અત્યંત રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. સપ્ટેમ્બર મહિનાના માત્ર પ્રથમ ૨૦ દિવસના ગાળામાં જ શહેરમાં ડેન્ગ્યુના ચોંકાવનારા ૪૯૬ નવા કેસ નોંધાયા છે, જે ચાલુ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધી નોંધાયેલા કુલ ૧,૦૮૪ કેસના લગભગ ૪૬ ટકા જેટલા થાય છે. ઓગસ્ટ […]

અમદાવાદ: અમદાવાદ શહેરમાં ચોમાસા દરમિયાન પડેલા પૂરતા વરસાદ અને ત્યારબાદ સર્જાયેલા ભેજવાળા વાતાવરણને કારણે મચ્છરજન્ય રોગચાળાએ અત્યંત રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. સપ્ટેમ્બર મહિનાના માત્ર પ્રથમ ૨૦ દિવસના ગાળામાં જ શહેરમાં ડેન્ગ્યુના ચોંકાવનારા ૪૯૬ નવા કેસ નોંધાયા છે, જે ચાલુ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધી નોંધાયેલા કુલ ૧,૦૮૪ કેસના લગભગ ૪૬ ટકા જેટલા થાય છે. ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિના દરમિયાન સમયાંતરે પડેલા વરસાદી ઝાપટાંને કારણે ઠેર-ઠેર ભરાયેલા પાણીમાં મચ્છરોના બ્રીડિંગ માટે અનુકૂળ વાતાવરણ ઊભું થતાં ડેન્ગ્યુના કેસોમાં આ મોટો ઉછાળો જોવા મળ્યો છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના આરોગ્ય વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા તાજેતરના આંકડા મુજબ, સપ્ટેમ્બરના આ ૨૦ દિવસો દરમિયાન શહેરની વિવિધ હોસ્પિટલોમાં મચ્છરજન્ય અને પાણીજન્ય દર્દીઓની ભીડ જોવા મળી રહી છે. આ સમયગાળામાં ડેન્ગ્યુ ઉપરાંત સાદા મલેરિયાના ૭૦ કેસ, ઝેરી મલેરિયા (ફાલ્સીપેરમ) ના ૨૨ કેસ અને ચિકનગુનિયાના ૭ કેસ સત્તાવાર ચોપડે નોંધાયા છે. શહેરના પશ્ચિમ ઝોનના વિસ્તારો રોગચાળાથી સૌથી વધુ પ્રભાવિત થયા છે, જેમાં નવરંગપુરા, નારણપુરા, વાડજ, પાલડી, ઘાટલોડિયા, ગોટા, થલતેજ, બોડકદેવ, ચાંદલોડિયા, સરખેજ, મક્તમપુરા, જોધપુર અને વેજલપુર જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે.

કોર્પોરેશનના આંકડાકીય વિશ્લેષણ મુજબ, ૧ જાન્યુઆરીથી અત્યાર સુધીમાં શહેરમાં મલેરિયાના ૩૮૬ કેસ, ફાલ્સીપેરમના ૬૯ કેસ અને ચિકનગુનિયાના ૧૪ કેસ નોંધાઈ ચૂક્યા છે. માત્ર મચ્છરજન્ય જ નહીં, પરંતુ પાણીજન્ય રોગચાળાએ પણ શહેરીજનોને લપેટમાં લીધા છે, જેમાં ઝાડા-ઉલટીના ૪,૦૬૦ કેસ, કમળાના ૫૮૦ કેસ અને ટાઇફોઇડના ૧,૫૯૧ કેસ નોંધાયા છે. તબીબોના જણાવ્યા મુજબ, વાયરલ ઈન્ફેક્શન, સ્વાઈન ફ્લૂ (H1N1) અને મોસમી તાવના દર્દીઓની સંખ્યામાં પણ મોટો વધારો થયો છે, જેના કારણે સગર્ભા મહિલાઓ, બાળકો અને સિનિયર સિટિઝન્સ જેવા અન્ય બીમારી ધરાવતા લોકોને હોસ્પિટલમાં ભરતી કરવાની ફરજ પડી રહી છે.

આરોગ્ય તંત્રના સર્વે મુજબ, શહેરમાં ચાલી રહેલા મોટા બાંધકામ સ્થળો (કન્સ્ટ્રક્શન સાઇટ્સ) પર ખુલ્લામાં પાણી ભરાઈ રહેવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ સૌથી વધુ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત રહેણાંક તથા કોમર્શિયલ બિલ્ડિંગોની અગાશીઓ અને બેઝમેન્ટમાં જમા થયેલું વરસાદી પાણી મચ્છરોના સંવર્ધન માટે મુખ્ય સ્ત્રોત બની ગયું છે. આ પરિસ્થિતિને થાળે પાડવા AMC ની હેલ્થ ટીમો દ્વારા સઘન ચેકિંગ, દવાઓનો છંટકાવ અને દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે તેમજ નાગરિકોને પોતાના ઘર આસપાસ પાણી જમા ન થવા દેવા અપીલ કરવામાં આવી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic