ચાંગા: ચારુસેટ યુનિવર્સિટી સંલગ્ન અશોક એન્ડ રીટા પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝીયોથેરાપી (ARIP) દ્વારા તાજેતરમાં નેશનલ ફિઝીયોથેરાપી કોન્ફરન્સ ‘CHAPCON 2025’ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ‘Advancing Frontiers of Physiotherapy: Innovate, Integrate, and Illuminate’ થીમ પર આધારિત આ કોન્ફરન્સમાં દેશભરમાંથી ૧૫૦થી વધુ ડેલીગેટ્સે ઉત્સાહભેર ભાગ લીધો હતો.
નિષ્ણાત વક્તાઓ દ્વારા માર્ગદર્શન
કોન્ફરન્સનું ઉદ્ઘાટન નેશનલ કમિશન ફોર એલાઈડ એન્ડ હેલ્થકેર પ્રોફેશન્સ (NCAHP) ના ચેરમેન ડો. યજ્ઞા શુક્લા દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે ભારતમાં એલાઈડ હેલ્થકેર એજ્યુકેશન અને પ્રોફેશનલ પ્રેક્ટિસના નવા ફ્રેમવર્ક વિશે ઊંડાણપૂર્વક માહિતી આપી હતી. આ કોન્ફરન્સમાં ભારતના વિવિધ રાજ્યોના પ્રખ્યાત વક્તાઓ દ્વારા ૧૦ થી વધુ કી-નોટ સેશન અને પેનલ ડિસ્કશન યોજાયા હતા, જેમાં ફિઝીયોથેરાપીમાં ટેકનોલોજીનો ઉપયોગ અને પુરાવા-આધારિત ક્લિનિકલ ડિસીઝન મેકિંગ પર ભાર મૂકવામાં આવ્યો હતો.
યુવા સંશોધકો માટે મજબૂત પ્લેટફોર્મ
CHAPCON 2025 માં સંશોધન વૃત્તિને વેગ આપવા માટે ૬૦ થી વધુ સાયન્ટિફિક પેપર્સ અને પોસ્ટર પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યા હતા. આ સત્રો દ્વારા ફિઝીયોથેરાપીના વિદ્યાર્થીઓ અને યુવા વ્યાવસાયિકોને ક્લિનિકલ પ્રેક્ટિસમાં આવી રહેલા આધુનિક ટ્રેન્ડસથી માહિતગાર કરવામાં આવ્યા હતા. હેન્ડ્સ-ઓન પ્રદર્શનોએ વિદ્યાર્થીઓને થિયરીની સાથે પ્રેક્ટિકલ અનુભવ મેળવવામાં મદદ કરી હતી.
સમાપન અને પ્રોત્સાહન
પૂર્ણાહુતિ સમારોહમાં ગુજરાત સ્ટેટ એલાઇડ એન્ડ હેલ્થ કેર કાઉન્સિલના ચેરમેન ડો. નેહલકુમાર શાહ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ડેલીગેટ્સને સંબોધતા જણાવ્યું હતું કે, “ફિઝીયોથેરાપી ક્ષેત્રમાં એથિકલ પ્રેક્ટિસ અને ઇનોવેશન જ સમાજને શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ પૂરી પાડી શકે છે.”
ARIP ના પ્રિન્સિપાલ ડો. ધ્રુવ દવે અને તેમની ટીમ દ્વારા આયોજિત આ કોન્ફરન્સ ફિઝીયોથેરાપી ક્ષેત્રે એક માઈલસ્ટોન સાબિત થઈ છે.
