અમદાવાદ: અમદાવાદ શહેરમાં પડેલા ભારેથી અતિભારે વરસાદના કારણે પશ્ચિમ વિસ્તારમાં આવેલા બોપલમાં જળબંબાકારની ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. વરસાદી પાણી ભરાઈ જવાની આ પરિસ્થિતિ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંવેદનશીલતા દર્શાવતા બોપલ વિસ્તારની રૂબરૂ મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ કોઈ પણ પ્રોટોકોલની પરવા કર્યા વિના જાતે પાણીમાં ઉતરીને સ્થાનિક રહીશો સાથે સંવાદ કર્યો હતો અને તેમની મુશ્કેલીઓ સાંભળી હતી.
મુખ્યમંત્રીની આ આકસ્મિક મુલાકાતમાં કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ તેમજ અમદાવાદ શહેરના મેયર હિતેશ બારોટ પણ તેમની સાથે જોડાયા હતા.
સ્થળ પર જ સમીક્ષા બેઠક, કમિશનર અને ઉચ્ચ અધિકારીઓને સૂચના
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બોપલ વિસ્તારમાં જળબંબાકારની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્થળ પર જ ઉપસ્થિત વરિષ્ઠ અધિકારીઓ સાથે પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે વરસાદી પાણીના ઝડપી નિકાલ, પંપિંગ સિસ્ટમની કામગીરી તેમજ રાહત અને બચાવ કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરી હતી.
મુખ્યમંત્રીએ અધિકારીઓને સ્થળ પરથી જ સ્પષ્ટ સૂચનાઓ આપી હતી કે:
- પાણીના નિકાલ માટે જરૂરી તમામ હાઇ-કેપેસિટી પંપ અને સાધનો તાત્કાલિક તૈનાત કરવામાં આવે.
- રાહત કામગીરી માટે વધારાનું માનવબળ (મનપા અને ડીઝાસ્ટર ટીમ) સ્થળ પર મોકલવામાં આવે.
- અસરગ્રસ્ત નાગરિકો માટે ખોરાક, પીવાના શુદ્ધ પાણી અને પ્રાથમિક સુવિધાઓની ત્વરિત વ્યવસ્થા થાય.
રાજ્યના વરિષ્ઠ અધિકારીઓનો કાફલો ‘ગ્રાઉન્ડ ઝીરો’ પર તૈનાત
મુખ્યમંત્રીની આ મુલાકાત દરમિયાન રાજ્ય અને મ્યુનિસિપલ કોર્પોરેશનનો ઉચ્ચ કક્ષાનો અધિકારી કાફલો હાજર રહ્યો હતો. જેમાં મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર, શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ એમ. થેન્નારસન, મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની તેમજ શહેર પોલીસ કમિશનર અનુપસિંહ ગહલોત સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર હાજર રહ્યા હતા. મુખ્યમંત્રીએ તમામ વિભાગોને પરસ્પર સંકલન (Co-ordination) જાળવીને યુદ્ધના ધોરણે કામગીરી કરવા અને નાગરિકોને વહેલી તકે જળભરાવની મુશ્કેલીમાંથી રાહત અપાવવા કડક આદેશો આપ્યા છે.
