નવી દિલ્હી: દેશમાં ખાદ્ય સુરક્ષા અને ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડાં કરતી કંપનીઓ સામે ભારતીય ખાદ્ય સુરક્ષા અને મિશ્રણ નિયંત્રણ સત્તામંડળ (FSSAI) એ મોટી કાર્યવાહી હાથ ધરી છે. તાજેતરમાં હાથ ધરાયેલા વિશેષ ઓડિટ અને તપાસ બાદ FSSAI દ્વારા દેશની પ્રખ્યાત અને મોટી બ્રાન્ડ્સ ધરાવતી કંપનીઓ નેસ્લે ઈન્ડિયા લિમિટેડ (Nestlé India Ltd.) અને હિન્દુસ્તાન યુનિલીવર લિમિટેડ (Hindustan Unilever Ltd.) ને ગ્રાહકોને ગેરમાર્ગે દોરતા દાવાઓ (Misleading Claims) કરવા બદલ સત્તાવાર કારણદર્શક નોટિસ ફટકારી છે. આ ઉપરાંત, ખાદ્ય સુરક્ષાના નિયમોના ગંભીર ઉલ્લંઘન બદલ મેસર્સ સુખદર્શન ફાર્મા (M/s Sukhdarshan Pharma) નું લાયસન્સ મોકૂફ (Suspend) કરવામાં આવ્યું છે અને મેસર્સ બાલાજી ફૂડ પ્રોડક્ટ્સ (M/s Bala Ji Food Products) નું લાયસન્સ તાત્કાલિક અસરથી રદ (Cancel) કરી દેવામાં આવ્યું છે.

FSSAI ની તપાસ દરમિયાન નેસ્લે ઈન્ડિયાના “Nestlé Resource Renal Vanilla Flavour Powder” ઉત્પાદનમાં ગંભીર ક્ષતિઓ સામે આવી છે. આ પ્રોડક્ટ કિડનીના દર્દીઓ માટે હોવાનું દાવો કરવામાં આવે છે, જેના માટે FSSAI ના ૨૦૨૨ ના નિયમો મુજબ પૂર્વ મંજૂરી મેળવવી ફરજિયાત હોય છે, જે કંપનીએ લીધી નહોતી. આ ઉપરાંત લેબલ પર શાકાહારી કે અશાકાહારીનું નિશાન પણ ગાયબ હતું. તેવી જ રીતે, નેસ્લેના “Nescafé Ready-To-Drink” રેન્જ (જેમાં Intense Café Cappuccino, Choco Mocha અને Chilled Latte નો સમાવેશ થાય છે) ના પેકિંગ અને ઈ-કોમર્સ સાઈટ્સ પર અલગ-અલગ અને પરસ્પર વિરોધી વર્ણન આપીને ગ્રાહકોને ભ્રમિત કરવામાં આવતા હોવાનું સામે આવ્યું છે.
બીજી તરફ, હિન્દુસ્તાન યુનિલીવર લિમિટેડની મધર હોર્લિક્સ “Horlicks Mother’s Plus” અને “Horlicks Women’s Plus” ના પ્રોડક્ટ લેબલિંગ અને જાહેરાતો પર FSSAI એ સખત વાંધો ઉઠાવ્યો છે. હોર્લિક્સ મધર પ્લસ પર “બાળકના સ્વસ્થ જન્મ વજન માટે” (Healthy Birth Weight) જેવા કરાયેલા દાવાઓ નિયમોનું ઉલ્લંઘન કરે છે. જ્યારે વિમેન્સ પ્લસ પ્રોડક્ટમાં “હાડકાં મજબૂત કરવા માટે ક્લિનિકલી પ્રુવ્ડ”, “હેલ્ધી મસલ્સ” અને માલ્ટોડેક્સટ્રિન હોવા છતાં “નો એડેડ સુગર” (No Added Sugar) જેવા ભ્રામક દાવાઓ કરવામાં આવ્યા હોવાનું ઓડિટ રિપોર્ટમાં સ્પષ્ટ થયું છે.

જ્યારે નાની અને સ્થાનિક પ્રોડક્શન યુનિટ્સ સામે FSSAI એ અત્યંત કડક વલણ અપનાવ્યું છે. મેસર્સ સુખદર્શન ફાર્માના ઉત્પાદન એકમમાં માત્ર ૧૧% કમ્પ્લાયન્સ સ્કોર મળ્યો હતો, જ્યાં પ્રોસેસિંગ એરિયામાં જ કેમિકલ્સ રાખવામાં આવ્યા હતા, ગંદુ પાણી ભરાયેલું હતું અને કોઈ પેસ્ટ કંટ્રોલ કે પર્સનલ હાઈજીન નહોતી, જેથી તેનું લાયસન્સ સસ્પેન્ડ કરાયું છે. આ ઉપરાંત, સતત બેદરકારી દાખવનાર અને સુનાવણી દરમિયાન અસંતોષકારક જવાબ આપનાર મેસર્સ બાલાજી ફૂડ પ્રોડક્ટ્સનું લાયસન્સ રદ કરીને તેનું તમામ મેન્યુફેક્ચરિંગ અને ડિસ્ટ્રિબ્યુશન તાત્કાલિક બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. FSSAI ની આ આકરી કાર્યવાહીથી ખાદ્ય ઉત્પાદન ક્ષેત્રે મોટો ફફડાટ વ્યાપી ગયો છે.

