ગાંધીનગર: દેશની સર્વોચ્ચ સ્ટેટ યુનિવર્સિટી ‘ઈન્ડીયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટિચર્સ એજ્યુકેશન’ (IITE) નું હવે ગાંધીનગરમાં એક નવું, અદ્યતન અને ભવ્ય કેમ્પસ ભવન નિર્માણ પામશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા, શિક્ષણ રાજ્ય મંત્રી ત્રિકમ છાંગા અને રિવાબા જાડેજાની ગરિમામય ઉપસ્થિતિમાં અંદાજિત રૂ. ૧૨૭ કરોડના ખર્ચે આકાર પામનારા આ નૂતન ભવન અને હોસ્ટેલનું શાસ્ત્રોક્ત વિધિથી ભૂમિપૂજન કર્યું હતું.
વૈશ્વિક કક્ષાના ‘રાષ્ટ્ર નિર્માતા’ શિક્ષકો તૈયાર થશે: શિક્ષણ મંત્રી
ભૂમિપૂજન પ્રસંગે સંબોધન કરતાં શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ એક પ્રેરણાદાયી વાત કહી હતી કે, “આજે માત્ર કોઈ ભવન કે ઇમારતના નિર્માણની શરૂઆત નથી થઈ, પરંતુ ભારતના ભવિષ્યના ઘડતરમાં અમૂલ્ય યોગદાન આપનારા ઉત્તમ શિક્ષકોના નિર્માણના એક નવા યુગના મંડાણ થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન મુજબ વર્ષ ૨૦૧૦માં સ્થાપિત આ યુનિવર્સિટી ભારતને માત્ર સામાન્ય શિક્ષકો જ નહીં, પણ ‘રાષ્ટ્ર નિર્માતા’ શિક્ષકો તૈયાર કરીને આપશે જેઓ વૈશ્વિક સ્તરે અગ્રણી ભૂમિકા ભજવશે અને વિદેશોમાં પણ ભારતીય શિક્ષણનો ડંકો વગાડશે.”
₹૧૨૭ કરોડના કેમ્પસમાં મળશે આ અદ્યતન સુવિધાઓ:
રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરાયેલી રૂ. ૧૨૭ કરોડની માતબર ગ્રાન્ટના સહયોગથી આ આધુનિક કેમ્પસમાં વિશ્વકક્ષાની સુવિધાઓ ઊભી કરવામાં આવશે:
- એકેડેમિક માળખું: કેમ્પસમાં અદ્યતન વર્ગખંડો સાથેના નવા એકેડેમિક અને ફેકલ્ટી બિલ્ડિંગનું નિર્માણ થશે.
- હાઈ-ટેક લેબોરેટરી અને લાયબ્રેરી: વિદ્યાર્થીઓ માટે આધુનિક વિજ્ઞાન પ્રયોગશાળાઓ (Science Labs), સેમિનાર હોલ, સ્ટેટ-ઓફ-ધ-આર્ટ લાઇબ્રેરી અને એક વિશેષ મ્યુઝિયમ પણ બનાવવામાં આવશે.
- સ્પોર્ટ્સ અને હોસ્ટેલ: રમત-ગમતના ઉત્કૃષ્ટ વિકાસ માટે વિશાળ પ્લે ગ્રાઉન્ડ તૈયાર કરાશે. આ ઉપરાંત, ૬૦૦થી વધુ ભાઈઓ અને બહેનો (વિદ્યાર્થીઓ) રહી શકે તે માટે તમામ આધુનિક સગવડોથી સજ્જ ભવ્ય હોસ્ટેલ બિલ્ડિંગનું બાંધકામ હાથ ધરાશે.
IITE હવે બનશે ‘મલ્ટીડિસિપ્લિનરી યુનિવર્સિટી’
શિક્ષણ મંત્રીએ વધુમાં ઉમેર્યું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP-2020) ના અસરકારક અમલીકરણમાં ગુજરાત દેશભરમાં મોખરે રહ્યું છે. આ નવી નીતિ બહુ-વિષયક શિક્ષણ, સંશોધન અને કૌશલ્ય પર ભાર મૂકે છે. આ જ દિશામાં આગળ વધતા હવે IITE ને એક ‘મલ્ટીડિસિપ્લિનરી યુનિવર્સિટી’ તરીકે વિકસાવવામાં આવી રહી છે, જે અંતર્ગત સર્વગ્રાહી શિક્ષણ અને રિસર્ચને પ્રોત્સાહન આપતી સાત નવી ‘યુનિવર્સિટી સ્કૂલ્સ’ ની રચના કરવામાં આવી છે.
વડાપ્રધાનના ગુરુજનોનું બહુમાન અને ITEP નું ડિજિટલ વિમોચન
આ સમારોહમાં એક અત્યંત ભાવુક અને ગૌરવપૂર્ણ ક્ષણ જોવા મળી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાળપણમાં વડનગરની બી.એન. હાઈસ્કૂલમાં જે આદરણીય શિક્ષકો અને ગુરુજનો પાસેથી શિક્ષણ મેળવ્યું હતું, તે ગુરુજનોનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મંચ પર ભાવપૂર્વક અભિવાદન અને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ‘ITEP અભ્યાસક્રમ’ નું ડિજિટલ વિમોચન પણ કરવામાં આવ્યું હતું.
આ વિશેષ સમારોહમાં ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, રાજ્યસભાના સાંસદ રાજેશ શુક્લ સહિત IITE ના પ્રોફેસરો, એકેડેમિક હેડ, ડાયરેક્ટરો, આચાર્યો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
