નવી દિલ્હી: ભારતીય ગ્રાહકો માટે રાહતભર્યા સમાચાર સામે આવ્યા છે. જુલાઈ, 2025 માટે ગ્રાહક ભાવાંક (CPI) આધારિત ફુગાવો ઘટીને 1.55% પર પહોંચી ગયો છે, જે જૂન 2017 પછીનો સૌથી નીચો સ્તર છે. આ આંકડાઓ દર્શાવે છે કે મોંઘવારી પર લગામ કસાઈ રહી છે, જે સામાન્ય નાગરિકો માટે એક મોટી રાહત છે.
આંકડાઓ અનુસાર, જુલાઈમાં ખાદ્ય ફુગાવો (Food Inflation) પણ -1.76% પર પહોંચ્યો છે, જે જાન્યુઆરી 2019 પછીનો સૌથી નીચો આંકડો છે.
આ આંકડાઓનું વિગતવાર વિશ્લેષણ કરતાં જણાય છે કે:
- ખાદ્ય ફુગાવો: -1.76% (જૂનમાં -1.01% હતો)
- ગ્રામીણ ફુગાવો: 1.18% (જૂનમાં 1.72% હતો)
- શહેરી ફુગાવો: 2.05% (જૂનમાં 2.56% હતો)
- શાકભાજી: -20.69% (જૂનમાં -19% હતો)
- કઠોળ: -13.76% (જૂનમાં -11.76% હતો)
- ફ્યુઅલ અને લાઈટ: 2.67% (જૂનમાં 2.55% હતો)
- આવાસ: 3.17% (જૂનમાં 3.24% હતો)
- કપડાં અને ફૂટવેર: 2.50% (જૂનમાં 2.55% હતો)
ખાસ કરીને, શાકભાજી અને કઠોળના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જે ખાદ્ય ફુગાવાને નીચો લાવવામાં મુખ્ય કારણભૂત છે. આ ઘટાડો સીધો ગ્રાહકોના બજેટ પર હકારાત્મક અસર કરશે. ફ્યુલ અને લાઈટ, તેમજ હાઉસિંગ જેવી કેટેગરીમાં પણ ફુગાવો લગભગ સ્થિર રહ્યો છે.
આ આંકડાઓ અર્થતંત્ર માટે સકારાત્મક સંકેત આપી રહ્યા છે. સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા મોંઘવારીને નિયંત્રણમાં રાખવાના પ્રયાસો સફળ રહ્યા હોવાનું આ આંકડાઓ પરથી ફલિત થાય છે. આ પરિસ્થિતિ ભવિષ્યમાં અર્થતંત્ર માટે વધુ વૃદ્ધિનો માર્ગ મોકળો કરી શકે છે.
