ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સક્ષમ નેતૃત્વ હેઠળ ગુજરાતે સિવિલ એવિએશન (Civil Aviation) ક્ષેત્રે એક નવો ઇતિહાસ રચ્યો છે. રાજ્યમાં મજબૂત અને વિશ્વસ્તરીય એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થતાં ગુજરાત હવે દેશમાં કોમર્શિયલ પાયલટ તાલીમ માટેનું મુખ્ય ‘નેશનલ હબ’ બનીને ઊભરી આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દેશમાં એવિએશન ક્ષેત્રને આધુનિક બનાવવાના વિઝનને આગળ ધપાવતા ગુજરાત સરકારે સિવિલ એવિએશન વિભાગ અને ગુજરાત સ્ટેટ એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડ (GUJSAIL) ના માધ્યમથી રાજ્યમાં ફ્લાઇંગ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશન (FTO) નું એક મજબૂત અને સમૃદ્ધ ઇકોસિસ્ટમ ઊભું કર્યું છે, જે યુવાનો માટે આકાશી કારકિર્દીના નવા દ્વાર ખોલી રહ્યું છે.
હાલમાં ગુજરાતમાં મહેસાણા, અમરેલી અને ભાવનગર ખાતે કુલ ૫ ફ્લાઇંગ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશન (FTO) સફળતાપૂર્વક કાર્યરત છે. જેમાં મહેસાણા ખાતે સ્કાયનેક્સ એરો અને બ્લૂ રે એવિએશન, અમરેલી ખાતે વિઝન ફ્લાઇંગ ટ્રેઇનીંગ ઇન્સ્ટિટ્યૂટ અને ગુજરાત ફ્લાઇંગ ક્લબ તેમજ ભાવનગર ખાતે દુનેસ એવિએશનનો સમાવેશ થાય છે. આ સફળતાને વધુ એક ડગલું આગળ લઈ જતાં, રાજ્યમાં ટૂંક સમયમાં જ વધુ ૫ નવી ફ્લાઇંગ ટ્રેનિંગ સંસ્થાઓ કાર્યરત થવા જઈ રહી છે. નવી સંસ્થાઓ શરૂ થતાં જ રાજ્યમાં FTO ની કુલ સંખ્યા વધીને ૧૦ થઈ જશે, જે ગુજરાતને સમગ્ર દેશમાં સૌથી મોટું રાજ્યસ્તરીય પાયલટ તાલીમ નેટવર્ક ધરાવતું રાજ્ય બનાવશે.
ગુજરાતની FTOs એ અત્યાર સુધીમાં ૫,૨૦૦ થી વધુ એવિએશન વિદ્યાર્થીઓને તાલીમ આપી છે અને ૩,૨૦૦ થી વધુ કુશળ કોમર્શિયલ પાઇલટ લાઇસન્સ (CPL) ધારકો દેશને અર્પણ કર્યા છે, જ્યારે ૨૦૦ થી વધુ ભવિષ્યના પાઇલટો હાલમાં તાલીમ મેળવી રહ્યા છે. આ ક્ષેત્રે વડોદરા ખાતે વર્ષ ૧૯૫૮ માં સ્થાપિત અને DGCA માન્ય ‘ગુજરાત ફ્લાઇંગ ક્લબ’ ભારતની સૌથી જૂની સંસ્થાઓમાંની એક તરીકે વિશેષ પ્રદાન આપી રહી છે. ભારતીય એરલાઇન્સ દ્વારા ૧,૭૦૦ નવા વિમાનોના ઓર્ડર અપાયા હોવાથી આગામી સમયમાં ૨૫,૦૦૦ થી ૩૦,૦૦૦ નવા પાયલટોની માંગ ઉભી થવાની છે, જેને પહોંચી વળવા માટે ગુજરાતે પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) મોડલ હેઠળ રાજ્યની એરસ્ટ્રિપો પર ૧,૫૦૦ ચોરસ મીટર જમીન ફાળવીને આ ક્ષેત્રે આગોતરું આયોજન કર્યું છે.
અનુકૂળ હવામાન, આખું વર્ષ સ્પષ્ટ આકાશ, ઉત્કૃષ્ટ રોડ કનેક્ટિવિટી અને નીતિવિષયક પ્રોત્સાહનોને કારણે ગુજરાત પાયલટ તાલીમ માટે દેશભરમાં શ્રેષ્ઠ સ્થળ સાબિત થઈ રહ્યું છે. આ FTO નેટવર્કના વિસ્તારથી માત્ર પાયલટો જ નહીં, પરંતુ એરક્રાફ્ટ મેન્ટેનન્સ એન્જિનિયર્સ, ફ્લાઇટ ડિસ્પેચર્સ, ગ્રાઉન્ડ સ્ટાફ અને સેફ્ટી પ્રોફેશનલ્સ માટે રોજગારીની હજારો નવી તકો ઊભી થશે. આ ઉપરાંત, સ્થાનિક સ્તરે મેન્ટેનન્સ, રિપેર એન્ડ ઓવરહોલ (MRO), ડ્રોન પાયલટ ટ્રેનિંગ અને એવિએશન ફ્યુઅલ સેવાઓ જેવા સંલગ્ન ઉદ્યોગોને પણ વેગ મળશે, જેનાથી રાજ્યના અર્થતંત્રને મોટો લાભ થશે.
