નવી દિલ્હી: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં આવેલી ‘ઓમિદ એડિક્શન ટ્રીટમેન્ટ હોસ્પિટલ’ (Omid Addiction Treatment Hospital) પર ૧૬ માર્ચની રાત્રે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલા (Airstrike) ને ભારતે સખત શબ્દોમાં વખોડી કાઢ્યો છે. ભારતીય વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રવક્તાએ એક નિવેદન જારી કરીને આ હુમલાને ‘બર્બર, કાયરતાપૂર્ણ અને અક્ષમ્ય’ ગણાવ્યો છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે હોસ્પિટલ જેવી નાગરિક સુવિધા ક્યારેય લશ્કરી નિશાન હોઈ શકે નહીં અને પાકિસ્તાન એક નરસંહારને લશ્કરી ઓપરેશનમાં ખપાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.
અફઘાનિસ્તાનની સંપ્રભુતા પર હુમલો
ભારતે જણાવ્યું હતું કે પાકિસ્તાનનું આ આક્રમક કૃત્ય અફઘાનિસ્તાનની સંપ્રભુતાનું ઉલ્લંઘન છે અને તે પ્રાદેશિક શાંતિ તથા સ્થિરતા માટે સીધો ખતરો છે. નિવેદનમાં વધુમાં ઉમેર્યું કે, આ પાકિસ્તાનની જૂની આદત છે કે તે પોતાની આંતરિક નિષ્ફળતાઓને છુપાવવા માટે સરહદ પાર હિંસાનો આશરો લે છે. નિર્દોષ નાગરિકોને નિશાન બનાવીને પાકિસ્તાન પોતાની હતાશા વ્યક્ત કરી રહ્યું છે.
રમઝાનના પવિત્ર માસમાં અમાનવીય કૃત્ય
ભારતે આ હુમલાના સમય અંગે પણ ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે. પ્રવક્તાએ જણાવ્યું કે, આ હુમલો રમઝાનના પવિત્ર મહિના દરમિયાન કરવામાં આવ્યો છે, જે સમગ્ર વિશ્વમાં મુસ્લિમ સમુદાય માટે શાંતિ, ચિંતન અને દયાનો સમય છે. હોસ્પિટલ અને તેના દર્દીઓને જાણી જોઈને નિશાન બનાવવા પાછળ કોઈ ધર્મ, કાયદો કે નૈતિકતા હોઈ શકે નહીં.
આંતરરાષ્ટ્રીય સમુદાયને અપીલ
ભારતે વૈશ્વિક સમુદાયને આ ગુનાહિત કૃત્ય માટે જવાબદારોને સજા આપવા અને પાકિસ્તાન દ્વારા અફઘાનિસ્તાનમાં નાગરિકો પર કરવામાં આવતા હુમલાઓને તાત્કાલિક અટકાવવા અપીલ કરી છે. ભારત આ દુઃખદ ઘડીમાં અફઘાનિસ્તાનના લોકોની સાથે મજબૂતીથી ઉભું છે અને મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. ભારતે અફઘાનિસ્તાનની અખંડિતતા અને સંપ્રભુતા માટે પોતાનું અતૂટ સમર્થન પુનરોચ્ચાર્યું છે.
