જાપાનમાં એકવાર ફરી કુદરતે રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે. ઉત્તર જાપાનના વિસ્તારોમાં રિક્ટર સ્કેલ પર 7.5ની તીવ્રતાનો અત્યંત શક્તિશાળી ભૂકંપ નોંધાયો છે. ભૂકંપના આંચકા એટલા પ્રચંડ હતા કે ગણતરીની સેકન્ડોમાં રહેણાંક ઈમારતો અને ઓફિસો ધ્રૂજવા લાગી હતી. આ આંચકા બાદ જાપાનના હવામાન વિભાગે તાત્કાલિક ધોરણે દરિયાકાંઠાના વિસ્તારોમાં સુનામી એલર્ટ જાહેર કરી દીધું છે.
સુનામીનો ભય અને સ્થળાંતર
ભૂકંપની તીવ્રતા જોતા વહીવટી તંત્ર દ્વારા તટીય વિસ્તારોમાં રહેતા લોકોને તાત્કાલિક ઉંચાણવાળા અને સુરક્ષિત સ્થળોએ પહોંચી જવા સૂચના આપી છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, દરિયાની લહેરોમાં અસાધારણ વધારો જોવા મળ્યો છે. રાહત અને બચાવ ટીમો સતત મોનિટરિંગ કરી રહી છે જેથી કોઈ પણ પ્રકારની જાનહાનિ ટાળી શકાય.
પરિવહન અને જનજીવન પર અસર
ભૂકંપના કારણે સાવચેતીના ભાગરૂપે ઉત્તર જાપાનમાં બુલેટ ટ્રેન સહિતની તમામ રેલ્વે સેવાઓ ટેમ્પરરી ધોરણે રોકી દેવામાં આવી છે. હાઈવે પરનો ટ્રાફિક પણ નિયંત્રિત કરવામાં આવ્યો છે જેથી ઈમરજન્સી સેવાઓમાં અવરોધ ન આવે. શરૂઆતી અહેવાલો મુજબ, હજુ સુધી કોઈ મોટા જાન-માલના નુકસાનની પુષ્ટિ થઈ નથી, પરંતુ ઈમારતોમાં તિરાડો અને વીજ પુરવઠો ખોરવાઈ જવાની ફરિયાદો ઉઠી છે.
શું છે ‘મેગાક્વેક’નું જોખમ?
જાપાન પેસિફિક ‘રિંગ ઓફ ફાયર’ પર સ્થિત હોવાથી ત્યાં ટેક્ટોનિક પ્લેટ્સ સતત સક્રિય રહે છે. નિષ્ણાતોના મતે, 7.5ની તીવ્રતાનો ભૂકંપ મોટા નુકસાનની ક્ષમતા ધરાવે છે. વૈજ્ઞાનિકો આ આંચકા બાદ ‘મેગાક્વેક’ (અતિ શક્તિશાળી ભૂકંપ) ની શક્યતાઓ પર પણ નજર રાખી રહ્યા છે. જોકે, નિષ્ણાતોનું કહેવું છે કે દરેક વખતે મોટા આંચકા બાદ મેગાક્વેક આવે તે જરૂરી નથી, પરંતુ આગામી 48 કલાક સતર્ક રહેવું અનિવાર્ય છે.
