ભરૂચ: જિલ્લાના ઔદ્યોગિક હબ ગણાતા ઝગડિયા GIDC વિસ્તારમાં આજે એક મોટી દુર્ઘટના ઘટી છે. અહીં આવેલી મેટ્રોપોલિટન એક્ઝિમકેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં અચાનક રીએક્ટરમાં જોરદાર બ્લાસ્ટ થયા બાદ ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આ ધડાકો એટલો પ્રચંડ હતો કે આસપાસના વિસ્તારોમાં પણ તેના પડઘા સંભળાયા હતા અને જોતજોતામાં કંપનીમાં આગના ગોટા ઉડવા લાગ્યા હતા.
14 કામદારો દાઝ્યા: વિચલિત કરતા દ્રશ્યો
આ ભયાનક આગની લપેટમાં કંપનીમાં કામ કરી રહેલા અંદાજે 14 જેટલા કામદારો આવી ગયા હતા. ઘટના સ્થળેથી જે દ્રશ્યો સામે આવ્યા છે તે અત્યંત વિચલિત કરનારા છે; દાઝી ગયેલા કામદારો પીડાથી કણસતા દોડતા બહાર આવ્યા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક અસરથી નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જેમાં 4 કામદારોની સ્થિતિ વધુ ગંભીર હોવાથી તેમને વધુ સારવાર માટે સુરત રીફર કરવામાં આવ્યા છે.
ફાયર બ્રિગેડની જહેમત અને ભયનો માહોલ
આગના ધુમાડાના કાળા ગોટા કિલોમીટરો દૂરથી જોઈ શકાતા હતા, જેના કારણે આસપાસની કંપનીઓમાં પણ ભયનો માહોલ છવાયો હતો. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની અનેક ટીમો સ્થળ પર દોડી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવા ભારે જહેમત ઉઠાવી હતી. સ્થાનિક પોલીસ અને તંત્રના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
ઈજાગ્રસ્ત કામદારોના નામની યાદી
દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા 14 શ્રમિકોના નામ નીચે મુજબ સામે આવ્યા છે:
- સાગર પટેલ, અરુણ તિવારી, કલ્પેશ વસાવા, શકીલ આફ્ટાર, હાર્દિક પરમાર, બુધન કુમાર, અમન કુમાર, હરી પ્રકાશ, રોનક પટેલ, પ્રવિણસિંહ, રમેશ વસાવા, મુશ્ઠણ કુમાર, ઈશાન યાશીન અને રાકેશ વસાવા.
આગ લાગવાનું પ્રાથમિક કારણ રીએક્ટરમાં બ્લાસ્ટ હોવાનું મનાઈ રહ્યું છે, જોકે આગ સંપૂર્ણપણે ઠર્યા બાદ FSL અને અન્ય એજન્સીઓ તપાસ હાથ ધરશે ત્યારે જ નુકસાન અને ચોક્કસ કારણની જાણ થશે.
